તાલુકાના પીપરાળી, સાંગાણી, રાતકડી સહિતની નદીઓમાંથી રેતીના સેંકડો ડમ્પરો ગામડાઓમાં ઠલવાઈ રહ્યાં છે
ચોટીલા તાલુકામાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ રેતીની ધોળા દિવસે ખનીજ ચોરી થઈ રહી છે. ડમ્પર ભરીને હજારો રૂપિયાની કિંમતે રેતીનું વહેચાણ થઈ રહ્યું છે. ત્યારે ચોટીલાનું સરકારી તંત્ર આ બાબત સાવ અજાણ છે કે, કેમ તેવો સવાલ ચોટીલાના લોકો પૂછી રહ્યા છે. દર મહિને ચોટીલા તાલુકાના પીપરાળી, સાંગાણી, રાતડકી સહિત અનેક નદીઓના ભોગાવા માંથી સેંકડો ડમ્પરો ચોટીલામાં તથા ગામડાઓમાં ઠલવાઈ રહ્યા છે ત્યારે સરકારી તંત્ર આ બાબતે અજાણ હોય તે અંગે શંકા જાગી છે. ચોટીલાનું સરકારી તંત્ર રેતી ચોરોને ઝડપવામાં સાવ નિષ્ફળ પુરવાર થયું છે. સરકારી કચેરીઓની ટીમ અને અધિકારીઓ ખનીજ ચોરોને શા માટે છાવરી રહી છે તેવો સવાલ બુદ્ધિ જીવી લોકો પૂછી રહ્યા છે.ચોટીલાની મામલતદાર કચેરી, પોલીસ તંત્ર અને પ્રાંત અધિકારી કચેરીની મિલીભગતથી રેતી ચોરોને મોકળું મેદાન મળ્યું છે. જ્યારે ચોટીલાના સરકારી વિભાગો દ્વારા ફક્ત અને ફક્ત કાગળ ઉપર પોતાની કામગીરી દેખાડવા માટે મહિને માંડ એકાદ ડમ્પર પકડીને ભ્રષ્ટાચારને આડકતરો સાથ આપી રહી હોય એવું જણાય છે.ચોટીલામાં ચર્ચાતી હકીકત મુજબ ખનીજચોરો પોલીસ, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં દર મહિને નિવેદ ધરતા હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે. અત્યંત શંકા ઉપજાવે તેવી વાત તો એ છે કે ચોટીલાના નેશનલ હાઈવે ઉપર જ મામલતદાર કચેરી પ્રાંત કચેરી અને પોલીસ ચોકી આવેલી છે ત્યારે આ હાઇવે ઉપરથી દરરોજ રેતી ભરેલા અનેક ડમ્પર ધોળા દિવસે ખુલ્લેઆમ નીકળતા હોય છે ત્યારે સરકારી તંત્ર શું આ વાતથી સાવ અજાણ હશે ? તે સવાલ જ રેતી ચોરો અને સરકારી તંત્ર વચ્ચે સાઠગાંઠ હોવાનું સુચવી રહ્યો છે.