શિક્ષક, સુપરવાઈઝર અને ડીઈઓ સહિતનો સ્ટાફ ઓબ્ઝર્વેશનમાં: પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું થર્મલ-સ્ક્રીનીંગ અને સેનેટાઈઝ કરાયું: 1 ક્લાસમાં 20 વિદ્યાર્થીઓએ બેસીને પરીક્ષા આપી
કોરોનાની મહામારીમાં શિક્ષણ કાર્યને અસર પહોંચી છે. વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ છેલ્લા એક વર્ષથી ઓનલાઈન ચાલી રહ્યું છે તે ઉપરાંત કેટલીક પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે અને કેટલીક પરીક્ષા પાછળ ધકેલવામાં આવી છે. ત્યારે સરકારે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે જ્યારે રીપીટર વિદ્યાર્થીની આજથી કસોટી શરૂ થઈ છે.
રાજકોટ જિલ્લામાં 20,000થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ બિલ્ડીંગમાં ફરી એકવાર પાસ થવા માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં જાય તે પહેલા થર્મલ સ્ક્રીનીંગ અને સેનેટાઈઝ કર્યા બાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને એક કલાસમાં 20 વિદ્યાર્થીઓ જ બેસીને પરીક્ષા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આજથી રીપીટર વિદ્યાર્થીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં જે પરીક્ષા કેન્દ્રો, બિલ્ડીંગ, બ્લોક નક્કી કરાયા છે તેમાં શિક્ષક, સુપરવાઈઝર સહિતનો સ્ટાફ આગામી 27મી સુધી સતત ઓબ્ઝર્વેશનમાં રહેશે. ધો.10માં 85 બિલ્ડીંગ અને 590 બ્લોકમાં અંદાજીત 18,000થી વધુ વિદ્યાર્થીઓ 8 દિવસ સુધી પરીક્ષા આપવાના છે અને ખાસ તો આજથી જે પરીક્ષા શરૂ થઈ છે તેમાં પરીક્ષા કેન્દ્ર આસપાસ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે લોકોની અવર-જવર પર નિયંત્રણ લાદવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રીપીટર વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરી અને ગેરરીતિની ઘટના પર રોક લગાવવા તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પણ પુરા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને પરીક્ષા આપી હતી. સાથો સાથ સુપરવાઈઝરે પણ માસ્ક અને ગ્લોઝ પહેરી કામગીરી કરી હતી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. આગામી 27મી જુલાઈ સુધી રીપીટર વિદ્યાર્થીની પરીક્ષાનો ધમધમાટ ચાલશે.