- એક જ ટોળકીએ છરીની અણીએ આનંદબંગલા ચોક, મોકાજી સર્કલ અને હોમી દસ્તુર માર્ગ પર લૂંટ આચર્યાની આશંકા
- માલવિયાનગર, એ ડિવિઝન અને તાલુકા પોલીસ મથકમાં અજાણી ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો
શહેરમાં ખાખીનો ખૌફ સહેજ પણ રહ્યો ન હોય તેવી રીતે ગુનેગારો બેફામ બન્યા હોય તેમ બાઇકસવાર ત્રિપુટીએ આતંક મચાવી માત્ર અડધી કલાકમાં ત્રણ સ્થળે વેપારી સહિત ત્રણ વ્યક્તિને આંતરી છરીના ઘા ઝીંકી મોબાઇલ, રોકડની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે માલવિયાનગર, એ-ડિવિઝન અને તાલુકા પોલીસે લૂંટ સહિતનો ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા મથામણ કરી હતી.
ત્રણેય ઘટનાની નોંધાયેલી ફરિયાદની જો વાત કરવામાં આવે તો પ્રથમ બનાવમાં ન્યૂ માયાણીનગરમાં રહેતા ઓટો સ્પેરપાર્ટસનો ધંધો કરતા કાનજીભાઇ વલ્લભભાઇ ઠુંમર (ઉ.59) તા.18ના રોજ સાવરે 4.45 વાગ્યે તેને હળવદ જવાનું હોય તેના ઘરેથી બાઇક લઇને બસપોર્ટ જતા હતા ત્યારે આનંદ બંગલા ચોકથી મવડી બ્રિજ ચડતા હતા ત્યારે પાછળથી ટ્રિપલ બાઇકસવાર શખ્સોએ આવી તેને પૂછ્યું કે કેટલા વાગ્યા તો તેણે 4.45 જેવું થયું છે તેમ કહેતા જેથી બાઇકમાં બેઠેલા એક શખ્સે કાનજીભાઇના બાઇકની ચાવી બંધ કરી દેતા બાઇક બંધ થઇ ગયું હતું. જેથી તેને બાઇકની ચાવી ચાલુ કરી આ શખ્સોનો ઇરાદો ઠીક ન હોય તેનું બાઇક પાછુ વાળી લીધું હતું. જે બાદ આ ત્રણેય શખ્સોએ પાછળ આવી તેને આંતરી છરી બતાવી ધમકી આપી પેન્ટના ખિસ્સામાંથી ધંધાના રહેલા રૂ.10 હજારની રોકડ ભરેલ પાકીટ લઇ નાસી જતા તેને પરત ઘરે આવી પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા બનાવમાં વાગુદડ ગામે ભાણુભાઇની વાડીમાં ખેતમજૂરી કામ કરતા અને મૂળ મહીસાગરના માનસીંગભાઇ કાળુભાઇ ધોડ (ઉ.55)એ ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તા.13ના રોજ તેની પત્નીને ડિલિવરી માટે ગુંદાવાડી પાસે પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ હોય જેથી તે પણ ત્યાં રોકાયા હતા અને તેને વાડીમાં મગફળીની વાવણી કરવા જવાનું હોય જેથી તા.18ના રોજ વહેલી સવારે પાંચેક વાગ્યે તેનું બાઇક લઇને હોસ્પિટલેથી વાગુદડ ગામે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન સવારે 5:10 મિનિટ આસપાસ ડો.હોમી દસ્તુર માર્ગથી લો કોલેજ પાસે પહોંચતા તેની પાછળ આવતા ટ્રિપલ બાઇકસવારે આંતરી એક શખ્સે નીચે ઉતરી છરી સાથે ધસી આવી પેટ પર છરીના છરકા કરી તારી પાસે જે રૂપિયા હોય તે આપી દે જેથી તેને ખિસ્સામાંથી પાકીટ કાઢતા તે રૂ.1500ની રોકડ અને સોનાની કડી ભરેલ પાકીટની લૂંટ ચલાવી નાસી જતા તેને દેકારો કરી પાછળ દોડ્યા પરંતુ બાઇકસવાર ત્રિપુટી નાસી જતા તેને પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસે પહોંચી પૂછતાછ કરતાં ત્રણ શખ્સમાંથી બે શખ્સએ મોઢે રૂમાલ બાંધેલ હોવાનું અને બે શખ્સએ સફેદ કલરના અને એક શખ્સે ચોકડીવાળી ડિઝાઇનવાળો શર્ટ પહેર્યો હોવાનું અને 20થી 25 વર્ષની ઉંમરના અને ગુજરાતીમાં બોલતા હોવાનું જણાવતા પીએસઆઇ સૈયદ સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
જ્યારે અન્ય બનાવમાં ઉદયનગરમાં રહેતા રિક્ષાચાલક કેતનભાઇ રાઘવજીભાઇ ગોહેલ (ઉ.40) સવારે સાડા ચારેક વાગ્યાની આસપાસ તેની રિક્ષા લઇને તેના જાણીતા ગ્રાહક ઇકબાલભાઇ જે ભીમનગર સર્કલ પાસે આંબેડકરનગરમાં રહેતા હોય ત્યાંથી કપડાંના પોટલા ભરી લક્ષ્મીનગર રોડ પર જીઇબીની ઓફિસ સામે મંગળવારી ભરાતી બજારમાં ફેરો કરવા જતા હોય 150 ફૂટ રિંગ રોડ પરથી નાનામવા રોડ પર આવતા શાસ્ત્રીનગર પાસે અજાણ્યા ટ્રિપલ બાઇકસવાર પાછળ આવતા હોય તેને પાસે આવી બાઇકના ચાલકે કહેલ કે, અમારામાંથી એક માણસને આગળના ચોક સુધી લેતો જા. જેથી તેને મોડું થતું હોવાનું જણાવતા આગળ આવી તેને આંતરી તેને નીચે ઉતારી આગળના ચોક સુધી માણસને બેસાડવાનું કહેતા તું કેમ નહીં લઇ ગયો કહી ફડાકા મારવા લાગ્યો અને એક શખ્સે ગળા પર છરી રાખી તારી પાસે પૈસા અને વસ્તુ હોય તે આપી દે કહી તેના ખિસ્સામાંથી રૂ.3 હજારની રોકડ ભરેલું પાકીટ અને મોબાઇલ આંચકી લઇ નાસી જતા તે ગભરાઇ જતા ઇકબાલભાઇના ઘેર જઇ માલ ભરી મંગળવારી બજારમાં આવી ઇકબાલભાઇનો માલ ઉતારતો હતો ત્યારે તેને આવી તેના ગળામાંથી લોહી કેમ નીકળે છે તેમ પૂછતા તેને વાત કરી પોલીસને જાણ કરી હતી જેમાં બે શખ્સએ સફેદ કલરનો એક શખ્સે ચેક્સવાળી ડિઝાઇનવાળો શર્ટ પહેર્યો હોવાનું બહાર આવતા તાલુકા પોલીસે ગુનો નોંધી બન્ને લૂંટમાં એક જ ત્રિપુટી હોવાની શંકાએ તેને પકડી લેવા કાર્યવાહી કરી હતી.