125 વર્ષથી યોજાતી નવરાત્રીમાં નશાખોર શખ્સે ગરબી બંધ કરાવી : આયોજકો દ્વારા પોલીસ રક્ષણ માંગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત
શહેરના મધ્યે આવેલા દાણાપીઠ પાસે સટ્ટા બજારમાં 125 વર્ષથી નવરાત્રીમાં પુરૂષો દ્વારા માતાજી આરાધના કરવામાં આવે છે. આ વર્ષે સરકાર દ્વારા કોરોનાની મહામારી અંતર્ગત જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇન મુજબ નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે.
પુરૂષો દ્વારા નવરાત્રીમાં રાસ રમી રહ્યાં હતા ત્યારે દાણાપીઠ પાસે ભીડભંજન ખાતે રહેતો હુશેન ચૌહાણ નામનો શખ્સ દારૂ પીને આવી પ્રવિણભાઇ મુલીયા નામના પ્રૌઢને ધક્કો મારી પછાડી દીધા હતા. ગરબીના આયોજકો એકઠા થતા તેઓને બિભત્સ શબ્દો કરી ગરબી બંધ કરવાની ધમકી આપી અને ટાટીયા ભાંગી નાખીશ તેવું કહ્યું હતું.
આ ગરબી ચાલુ રહી તો ખુનખરાબા થઈ જશે એવી ધમકી આપી જતો રહેલા જેથી અમો આયોજકો ડરના માર્યા ગરબી બંધ કરી દીધી અને આરોપી અગાઉ પણ અવાર નવાર ગરબીમાં આવી અડચણો કરી હતી અને તે વખતે પણ દારૂની બોટલો ગરબીમાં ફોડી હતી. જે અંગેની અગાઉ ફરિયાદ કરેલી છે. આ લોકો ખુબ જ જનુની અને માથાભારે માણસ હોય અને કોમી હિંસા ભડકાવવાના ઈરાદાથી અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી હુલ્લડ થાય એવા ઈરાદા તેનો હતો.
આયોજકોએ આજરોજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને લેખીત રજૂઆત કરી હુશેન ચૌહાણ નામના શખ્સ સામે કડક હાથે કામગીરી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર પાઠવી નવરાત્રી દરમિયાન પોલીસ રક્ષણની માંગ કરી છે.