સમિતિઓની મુદતમાં ઘટાડો કરવામાં આવતા હવે ટૂંક સમયમાં નવી સમિતિઓની રચના માટે ચૂંટણી જાહેર કરવામાં આવશે

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ સમિતિઓની મુદતમાં ઘટાડાને રાજયના શિક્ષણ વિભાગ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. જેથી હવે શિક્ષણ બોર્ડની સૌથી મહત્વની કારોબારી સહિતની ચાર સમિતિઓ કે જેની મુદત બે વર્ષની હતી તે અને અભ્યાસ સમિતિ કે જેની મુદત ત્રણ વર્ષની હતી તે તમામ સમિતિની મુદત ઘટાડીને એક વર્ષ કરી દેવામાં આવી છે. આ નિયમ ચાલુ વર્ષથી જ લાગુ પાડવાનું પણ નકકી કરાયું છે. જેના લીધે હવે બોર્ડની વિવિધ સમિતિઓના સભ્યોની નિમણુંક માટે ચુંટણી જાહેર કરાશે. હાલમાં સમિતિઓમાં જે સભ્યો છે તેમને એક વર્ષ થવા આવ્યું હોવાથી ચુંટણી યોજવામાં આવશે.

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડની ર જુનના રોજ વિવિધ સભ્યો દ્વારા રજુ કરવામાં આવેલા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવ્યા બાદ અમુક મહત્વના નિર્ણયો પણ લેવાયા હતા. જેમાં શિક્ષણ બોર્ડની વિવિધ સમિતિઓની મુદતમાં ઘટાડો કરવા અંગેનો નિર્ણય પણ લેવાયો હતો. શિક્ષણ બોર્ડની  વિવિધ પાંચ જેટલી સમિતિ છે. જેમાં કારોબારી સમિતિ, શૈક્ષણિક સમિતિ, પરીક્ષા સમિતિ અને નાણા સમિતિની મુદત બે વર્ષની છે, જયારે અભ્યાસ સમિતિની મુદત 3 વર્ષ ની છે

આ તમામ સમિતિઓની મુદતમાં ઘટાડો કરી તેમની મુદર એક વર્ષ કરવા માટે સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો.સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા મંજુરી માટે સરકારમાં દરખાસ્ત મોકલી હતી. સરકાર સમક્ષ દરખાસ્ત આવ્યા બાદ તે અંગે નિર્ણય લઇ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં સરકારે ઠરાવ બહાર પાડી બોર્ડની વિવિધ સમિતિઓની મુદતમાં ઘટાડાને લીલીઝંડી આપી દીધી છે. જેથી હવે બોર્ડની તમામ પાંચ સમિતિઓની મુદત એક વર્ષની થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.