નદીનાં પટમાં પાણીના વહેણને અવરોધ રૂપ દબાણનાં ડિમોલીશનને લઇ રાજકીય અને સામાજીક ડ્રામેબાજી
સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજરાજકોટમાં આજીનદીનાં પટમાં પાણીનાં વેણને રોકતું એક ધાર્મિક હેતુનાં બાંધકામનું આજે સવારે કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા ડિમોલીશન કરાયા બાદ શહેરમાં ભારે તંગદિલી ફેલાવવાનો હિન પ્રયાસ અમુક કહેવાતા ધર્મપ્રેમી લોકોએ કર્યો હતો.ડિમોલીશન બાદ લોકોનાં ટોળેટોળા ઉમટી પડયા હતા. ધાર્મિક ઓઠા તળે ખડકાતા દબાણો સમાજ માટે ખરેખર જોખમકારક સાબિત થઈ રહ્યા છે.
આજે કોર્પોરેશન દ્વારા આજે આજીનદીનાં પટમાં પાણીનાં વહેણને રોકતું એક ધાર્મિક હેતુનું બાંધકામ તોડી પડાયા બાદ લોકોનાં ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. તંગદિલી ફેલાવવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો હતો જેનો રાજકીય અને સામાજીક લાભ ખાટવા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. એક ધાર્મિક હેતુનું બાંધકામ દુર કરાયા બાદ અમુક ચોકકસ લોકો દ્વારા શહેરની શાંતી ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોતાનો અંગત સ્વાર્થ સંતોષવા માટે સરકારી જમીન પર ધાર્મિક હેતુનું બાંધકામ ખડકી દેતાં હોય છે જયારે તંત્ર દ્વારા આવા પ્રકારનું બાંધકામ દુર કરવામાં આવે ત્યારે આવા કહેવાતા ધર્મપ્રેમીઓ પોતાનો સ્વાર્થ સંતોષવા માટે તંગદિલી ફેલાવવાનો પ્રયાસ કરતા હોય છે. આજે નદીનાં પટમાં ખડકાયેલું એક ધાર્મિક હેતુનું બાંધકામ દુર કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં નદીમાં કોઈપણ પ્રકારનું બાંધકામ થવું જોઈએ નહીં અને થયું હોય તો તે દુર ન કરવામાં આવે તો ભારે વરસાદ અને પુરની સ્થિતિમાં આવું ધાર્મિક હેતુનું કે અન્ય હેતુનું બાંધકામ પર્યાવરણ કે માનવજાત માટે પ્રાણઘાતક સાબિત થતું હોય છે. ધર્મનાં નામે સેવાકિય કાર્ય થાય તે ખરેખર આવકારદાયક છે પરંતુ ધર્મનાં નામે સરકારી તંત્રને દબાવવાનો પ્રયાસ કરી પોતાનો અંગત સ્વાર્થ સંતોષવાની વૃતિ ધરાવતાં લોકો સમાજ માટે ખુબ જ ઘાતક સાબિત થતા હોય છે. સામાન્ય રીતે ધાર્મિક બાંધકામ દુર કરવામાં આવે તો લોકોની લાગણીને ઠેસ પહોંચતી હોય છે પરંતુ લોકોએ પણ એ વાત સમજવી જોઈએ કે જે રીતે તેઓ ધાર્મિક પરંપરાનું ચુસ્તપણે પાલન કરે છે તે રીતે તેઓએ તમામ સરકારી નિયમોનું પણ પાલન કરવું જ જોઈએ જો આમ કરવામાં ન આવે તો લાંબાગાળે નિયમોનું ઉલ્લંઘન ધર્મ, સમાજ, પર્યાવરણ અને ભાવી પેઢી માટે હાનિકારક સાબિત થતું હોય છે.
રાજકોટમાં જાણે સબ ભૂમિ ગોપાલ કી માની જમીન માફીયાઓ ગમે ત્યાં કબજો કરી લેતા હોય છે અને ધાર્મિક હેતુનું બાંધકામ ખડકી દેતા હોય છે અને ત્યારબાદ પોતાનો અંગત સ્વાર્થ સંતોષી લેતા હોય છે. આવું ધાર્મિક હેતુનું બાંધકામ દુર કરવામાં આવે તો સમાજની શાંતી ડહોળી તંગદિલી ફેલાવવાનો હિન પ્રયાસ પણ કરવામાં આવતો હોય છે.