મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાપાલિકાના વિવિધ પ્રશ્ર્ને પદાધિકારીઓ તા અધિકારીઓ સો કરી બેઠક: આજી રિવર ફ્રન્ટ સહિતના પ્રોજેકટની ચર્ચા
રાજકોટ મહાનગર પાલિકાના જુદા જુદા પ્રોજેક્ટો અંતર્ગત ગઈ કાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મીટીંગ યોજાઈ. રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા પ્રોજેક્ટો અંતર્ગત ગઈ કાલ તા.૧૩/૦૩/૨૦૨૦ના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મીટીંગ યોજાઈ. આ મીટીંગમાં મેયર બિનાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
શહેરમાં ખાસ કરીને શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે ઝડપથી બ્રિજના કામો શરૂ થાય, જેમાં નાના મવા સર્કલ, ઉમિયા ચોક, રામાપીર ચોકડી, કાલાવડ રોડ પર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે, ગ્રીન લેન્ડ ચોકડી વિગેરેની સમીક્ષા કરવામાં આવી હતી. નાના મવા સર્કલ પાસેના બ્રીજ માટે તા.૧૬ માર્ચ પછી ટેન્ડર બહાર પાડવામાં આવનાર છે. ત્યારબાદ તબક્કાવાર અન્ય ટેન્ડરો બહાર પાડવામાં આવશે.
હાલમાં રેલ્વે વિભાગ દ્વારા આમ્રપાલી અન્ડરબ્રીજ તથા લક્ષ્મીનગર નાલાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત હોસ્પિટલ ચોક ખાતે બનાવવામાં આવનાર ટ્રાયએંગલ બ્રીજ માટે સિવિલ હોસ્પિટલ, રેલ્વે વિભાગ અને કોર્ટની જમીન સંપાદન માટેના નિર્ણયો થઇ ગયેલ છે. અને તેના અનુસંધાને જામનગર રોડ પર સિવિલ હોસ્પિટલ અને રેલવેની જમીનમાં કામગીરી ચાલી રહેલ છે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ આ કામગીરી ઝડપથી આગળ વધે તે માટે તંત્ર કાર્યરત છે. આ ઉપરાંત સ્માર્ટ સિટીના કામો આજી રિવરફ્રન્ટ વિગેરે પ્રોજેક્ટો માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.