કાલે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
અબતક,રાજકોટ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2005માં આયોજિત કરેલી એક કોન્ફરન્સમાં 9 ડિસેમ્બરનાં દિવસને ભ્રષ્ટાચાર વિરોધ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ભષ્ટ્રાચાર એ એક એવો મુદ્દો છે કે જે વિશ્વના દરેક દેશોને અસર કરે છે. તે નૈતિકતા, અંખડિતતા અને પ્રમાણિકતાનો અભાવ દર્શાવે છે. ભષ્ટ્રાચાર લોકશાહીને નબળી કરે છે, સરકારને અસ્થિર બનાવે છે અને દેશોને આર્થિક ધોરણે પાછળ ધકેલે છે. ભ્રષ્ટાચાર વિરોધી દિવસનું મહત્ત્વ વિશ્વ સ્તરે ભ્રષ્ટાચાર નાબુદી અંગે જાગરૂકતા ફેલાવવાનો છે. લોકશાહી સંસ્થાઓનો પાયો બચાવવા માટે ભ્રષ્ટાચારને ફેલાતો અટકાવવો ખૂબ જ જરૂરી છે કારણ કે ભ્રષ્ટાચાર કાયદાના શાસનની પ્રક્રિયાઓને વિકૃત કરે છે.
ભ્રષ્ટાચાર પાછળ માણસની એક જ માનસિકતા જવાબદાર બની છે કે, હું એકલો કે હું એકલી શું કરી શકું ?, બધાં ઘર લઈને બેઠા છે., બધા કરે છે તો હું કેમ ન કરું ? આ બધી જ વિષયવસ્તુ માણસનાં માનસને અસર કરે છે અને પછીથી કોઈ કોઈની પરવાહ કર્યા વગર લાંચ લે છે અને પોતાનો સ્વાર્થ સર કરે છે, કેટલાક તો વળી માણસાઇને નેવે મુકીને વિભિન્ન પ્રકારનાં ભ્રષ્ટ આચરણ કરે છે જેથી બીજાને પણ નુકસાન પહોચે છે. ખરેખર તો માણસમાં ભ્રષ્ટાચારની નીવ તે નાનો હોય, બાળક હોય ત્યારે જ નંખાઇ જતી હોય છે. જયારે પણ બાળક માતા પિતાની કોઈ વાત ન માને તો તેને જાત જાતની લાલચ આપીને પોતાનું ધાર્યું કામ તેની પાસેથી કઢાવવામાં આવે છે. બાળક બરાબર જમશે નહીં તો મોબાઈલમાં વિડીયો જોવાની લાલચ, બરાબર ભણશે નહીં તો નવી બોલપેન કે પેન્સિલની લાલચ, પોતાનું કોઈ કામ બરાબર નહીં કરે તો તેને બહાર ફરવા લઈ જવાની લાલચ. ઘરથી શરુ થયેલી આ પ્રવૃત્તિ પછી સ્કુલમાં, કોલેજમાં અને પછી માણસ કામ ધંધામાં પણ ભ્રષ્ટાચાર કરતાં શીખી જાય છે અને વળી પોતાના બાળકોને પણ આવી જ શિક્ષા આપે છે.
જો ઘરમાં જ લાંચ લેવાનાં બીજ રોપાતા હોય એ પણ બાળ અવસ્થામાં જ તો સમગ્ર સમાજનો હિસ્સો એવી વ્યક્તિઓ પાસેથી ભ્રષ્ટાચાર સિવાયની બીજી તો કઈ અપેક્ષા રાખી શકાય ? એવું નથી કે માતા પિતા જાણી જોઇને આવું કરે છે પરંતુ અજાણતા જ એમની કરેલી અમુક નાની નાની ભૂલો ભવિષ્યમાં ખુબ મોટી થઈને સામે આવે છે. વ્યક્તિ પોતે એ સમાજનો જ એક હિસ્સો છે. વ્યક્તિ વ્યક્તિથી જ સમાજ બને છે અથવા એમ કહો કે સમગ્ર સમાજ એ વ્યક્તિઓ થકી જ છે. ફળોની ટોકરીમાં જો એક ફળ ખરાબ થાય, સડી જાય તો તે સીધી કે આડકતરી રીતે બીજા બધા ફળોને નુકસાન કરે જ છે એવી જ રીતે સમાજમાં કોઈ એક વ્યક્તિ ખોટી દિશામાં જશે તો તે સમગ્ર સમાજને નુકસાનકર્તા બનશે. તેથી સૌ એ પોતાની અંગત જવાબદારી સમજીને પોતાના આચરણમાં કોઈ ખોટ આવવા દેવી ન જોઈએ તેમજ ભ્રષ્ટાચાર નાબુદીની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ.
સંકલન મિત્તલ ખેતાણી