મોબાઈલ આજે રોટી, કપડા અને મકાનની જેમ લોકોની જીવન જરૂરિયાતનું સાધન બની ગયો છે. મોબાઈલના સદઉપયોગ છે તો તેના દુરુપયોગ વધતા ગયા છે. ત્યારે અમરેલીમાં એક લુંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે જેમાં તેણીએ મોબાઈલથી સંપર્કમાં આવીને લગ્નની લાલચ આપીને યુવકનો નાણા પડાવ્યા હતા.
મળતી માહિતી મુજબ આ ઘટના અમરેલી જીલ્લાના વડિયા તાલુકાના અનિડા ગામની છે જ્યાં યુવતીએ મોબાઈલ દ્વારા યુવકના સંપર્કમાં આવીને યુવક પાસેથી ચેન પડાવ્યા બાદ વધુ અઢી લાખની માંગણી કરી હતી. ત્યારે યુવકે પોલીસ ફરિયાદ કરતા વડીયા પોલીસે ગેંગનો પર્દાફાશ કરીને ગણતરીની કલાકોમાં ચાર યુવક સાથે લુંટેરી દુલ્હનને પકડી પાડી હતી.
શું હતો મામલો ??
અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના અનિડા ગામના ખેડૂત પુત્ર રોહિત રમેશભાઈ પરવાડીયા સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલની નિધિ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. નીધીએ રોહિતને કોલ કરીને લગ્ન બાબતે વાતચીત કરવા અને મળવા ગોંડલની ગુંદાળા ચોકડી મળવા બોલાવ્યો હતો ત્યારે યુવાન લગ્નની લાલચે ગોંડલ પ્રાઇવેટ સ્વીફ્ટ કાર મારફતે પહોંચ્યો હતો.
લૂટેરી દુલ્હને આપેલા સરનામાં સ્થળ પર યુવતી હાજર હતી અને તે યુવકની કારમાં બેસી ત્યારબાદ થોડે આગળ કાર ચલાવતા તેના ગોઠવાયેલ નેટવર્ક મુજબ બે શખ્સો દ્વારા કાર રોકી મારી બહેનને ક્યાં લઈ જાવ છો ? શું કામ લઈ જા છો ? આવડો મોટો ચેઇન પહેરો છે તો તૂ દાદો છે ? તેવુ કહી યુવકને ધમકાવવા અને કહ તૂ મારી બેન ને ઉપાડવા આવ્યો છે તારી ગાડી અને ચેઇન આપી દે અને અહીંથી ચાલ્યો જા તેવું બન્ને શખ્સો દ્વારા કહેવામાં આવ્યું હતુ.
તે સમયે એક ત્રીજો બાપુ નામનો શખ્સ આવેલ તે પણ એવુ કહેવા લાગ્યો કે આ મેટર અહિ જ પતાવી દે અને વહીવટ કરી સમાધાન કરી લે. ત્યારબાદ ચોથો શખ્સ ધવલ રતિભાઈ ઠક્કર નામનો યુવાન જે ભોગ બનનાર યુવાનના ગામનો તે ત્યા આવતા તેને વચ્ચે રહી સોનાનો ચેઇન મૂકીને અઢી લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતુ અને કોઈને જાણ કરીશ તો સારાવટ નહિ રહે તેવી ધાક ધમકી આપીને યુવાને આ નિધિ નામની યુવતીએ અન્ય ચાર શખ્સોની મદદથી ફસાવીને 1,27,000/- રૂપિયા પડાવ્યા હતા.
નિધિ નામની યુવતીએ ફસાવ્યાની ફરિયાદ વડિયા પોલીસ મથકમાં નોંધાવતા આઈપીસી કલમ 384,120બી,114 મુજબ ગુનો નોંધી પીએસઆઈ ઓડેદરા અને તેમની ટીમ દ્વારા તુરંત એક્શનમાં આવી લૂંટેરી દુલ્હન નિધિ અને તેની સાથે સંકળાયેલા લોકોને ગણતરીની કલાકોમાં પકડી પાડયા હતા. ત્યારબાદ તમામને નામદાર કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમના બે દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા. હવે રિમાન્ડમાં વધુ કેટલા લોકોનો શિકાર કર્યો તે પણ ખુલી શકે છે.