ત્રણ માસમાં જુદા જુદા ૪ અકસ્માત કેસના દર્દીઓને ૧૫૩ યુનિટ બ્લડ આપી જીવનદાન આપવાનું ઉત્તમ કાર્ય

લાઈફ બ્લડ સેન્ટરના મેડિકલ ડિરેકટર ડો.સંજીવ નંદાણીએ જણાવેલ હતું કે, લોકડાઉનના સમયગાળામાં રાજકોટમાં જ નહીં પણ દેશભરમાં સમય પણ જાણે થંભી ગયો હોય તેવું વાતાવરણ હતું. જુદા જુદા મંદિરોમાં ભગવાન પણ કેદ થઈ ગયા હતા પરંતુ માનવતાના મંદિર સમાન બ્લડ બેન્કના દરવાજા કયારેય બંધ થયા ન હતા. રાજકોટમાં સ્ટેટ ઓફ આર્ટ ગણાતા લાઈફ બ્લડ સેન્ટરે આ સમયગાળામાં વિપરીત પરિસ્થિતિ વચ્ચે ઉપર દર્શાવ્યા તે પ્રકારના અનેક કિસ્સા આવ્યા હતા અને દરેક વખતે અણીના સમયે દર્દીને લોહી પુરુ પાડીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડયું છે.

રાજકોટમાં અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું લાઈફ બ્લડ સેન્ટર એક કોરોના વોરિયર તરીકે સમાજ પ્રત્યેની પોતાની ફરજ બજાવી રહ્યું છે. લાઈફ બ્લડ સેન્ટર દ્વારા આવા કપરા સમયે પણ રકત પુરુ પાડવાની અવિરત સેવા ચાલુ છે અને અત્યાર સુધીના સમયમાં એટલે કે ૨૨મી માર્ચથી ૨૩મી સપ્ટેમ્બર સુધીમાં ૧૦,૮૬૭ યુનિટ જેટલું રકત ઈસ્યુ કર્યું છે. એટલું જ નહીં ૭મી ઓગસ્ટથી ૨૩મી સપ્ટેમ્બર વચ્ચે ૧૦૮ યુનિટ પ્લાઝમાં કોરોના દર્દીને ઈસ્યુ કર્યું છે. આ રકતને કારણે અનેક લોકોના જિંદગીને નવજીવન પ્રાપ્ત થયું છે. કોઈપણ પ્રકારની કટોકટીના સમયમાં તેમ જ ગર્ભવતી મહિલાઓના ઓપરેશન વખતે, લાંબા જટિલ ઓપરેશન વખતે અને થેલેસેમિયા મેજરના દર્દીઓને હંમેશા રકતની જરૂર રહેતી હોય છે. આવા દરેક સંજોગોમાં લાઈફ બ્લડ સેન્ટર દર્દીઓની પડખે ઉભુ હોય છે.

લાઈફ બ્લડ સેન્ટરના જોઈન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી મીતલ કોટિચા શાહે આવા કપરા સંજોગોમાં પણ સ્વૈચ્છિક રકતદાતાઓને રંગ રાખી રકતની ખેંચ પાડવા દીધી નથી. કટોકટીના સમયે દર્દીઓને જરૂરીયાત મુજબનું શુઘ્ધ અને સલામત રકત પુરુ પાડતી એક માત્ર બ્લડ બેન્ક લાઈફ બ્લડ સેન્ટરને એન.એ.બી.એચ (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થ કેર પ્રોવાઈડર્સ)ની માન્યતા પ્રાપ્ત થઈ છે. ગુજરાતમાં કુલ ૧૩૯ બ્લડ બેન્ક છે અને તે પૈકી ૧૩ બ્લડ બેન્ક પાસે જ એન.એ.બી.એચ.ની માન્યતા છે. આ જ રીતે દેશની ૨૯૪૬ બ્લડ બેન્ક પૈકી ૯૪ બ્લડ બેંકને જ આ માન્યતા મળેલી છે. ૨૦૧૩માં આ પ્રકારની માન્યતા મેળવનાર લાઈફ બ્લડ સેન્ટર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ હતી. હાલમાં રાજકોટની ૬ બ્લડ બેન્ક પૈકી એક માત્ર લાઈફ બ્લડ સેન્ટર પાસે આ માન્યતા છે.

સંક્ષિપ્તમાં એમ કહી શકાય કે એન.એ.બી.એચ. માન્યતા પ્રાપ્ત બ્લડ બેન્ક એટલે અમેરિકા કે પછી યુરોપમાં કાર્યરત બ્લડ બેન્કમાં જે ધારાધોરણ હોય છે તે જ પ્રકારના ધારા ધોરણો ધરાવતી આપણી બ્લડ બેન્ક લાઈફ બ્લડ બેંકમાં વિશ્ર્વ સ્તરની સેવા આપવાનો નિરંતર પ્રયાસ કરવામાં આવે છે.

એકઝીકયુટીવ ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઈ કોટિચા કહે છે કે, એ દિવસોમાં પડકાર ઘણા હતા પણ લોકોની શુભેચ્છા અમારી સાથે હતી અને સમાજ માટે કાંઈક કરી છુટવાની તમન્ના હતી. એ સમયે ટાટા રિલીફ કમિટીના ચેરપર્સન લીલા મુલગાંવકર, ટાટા કેમિકલ્સના પી.વી.એસ.સુબ્રમણ્યમ, મુંબઈના ડો.ઝરીન ભરુચા, રાજકુમાર કોલેજના પ્રિન્સીપાલ પીટર રોજર્સનએ અમને મનોબળ પુરુ પાડયું હતું. અમને એ વાતનો આનંદ છે કે, દ્રઢ મનોબળ અને લોકોની શુભેચ્છાથી શરૂ થયેલી બ્લડ બેંક આજે લાઈફ બ્લડ સેન્ટરના નામે કાર્યરત છે અને કટોકટીના સમયે જરૂરતમંદ દર્દીઓને રકત પુરુ પાડે છે. બ્લડ બેન્કીંગ ક્ષેત્રે ભારતભરની શ્રેષ્ઠ બ્લડ બેન્કોમાં સ્થાન ધરાવતા લાઈફ બ્લડ સેન્ટરની સ્થાપનાને ૩૮ વર્ષ પુરા કર્યા છે.  લાઈફ બ્લડ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ સલામત અને ઉચ્ચ ગુણવતાયુકત યુનિટ રકત કે રકતઘટકો સતત ૨૪ કલાક કાર્યરત રહીને જરૂરતમંદ દર્દીઓને પુરા પડાયા છે. સ્વૈચ્છિક રીતે રકત આપનાર સેવાભાવી નાગરીકોની સુવિધા માટે આજ સુધીમાં ૫૦૦૦થી વધુ રકતપ્રાપ્તિ કેમ્પ કર્યા છે. લાઈફ બ્લડ સેન્ટર, ૨૪, વિજય પ્લોટ, બોમ્બે ગેરેજ સામે અદ્યતન સુવિધાસભર ચાર માળના મકાનમાં ૧૫ હજાર સ્કવેર ફુટ વિસ્તારમાં કાર્યરત છે.

અદ્યતન ટેકનોલોજીથી સમૃદ્ધ બનેલા ઉપકરણો જ બ્લડ બેન્કમાં ઉપયોગમાં લેવામાં આવે છે આ માટે આશરે રૂા.૫ કરોડના ખર્ચે અદ્યતન ઉપકરણો વસાવવામાં આવ્યા છે. આ અંગેની વધુ માહિતી માટે ફોન નંબર ૨૨૩ ૪૨૪૨ અને ૨૨૩ ૪૨૪૩ અથવા મોબાઈલ નંબર ૮૫૧૧૨ ૨૧૧૨૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.