Abtak Media Google News

મંદિરમાં પ્રવેશતો ભક્ત પ્રાર્થના, પ્રણામ અને પ્રદક્ષિણાથી તે પ્રભુને વધુને વધુ સમીપ હોય તેવુ અનુભવે છે

મંદિર આ ત્રિવિધ શુદ્ધિથી માનવને સુસંસ્કૃત બનાવે છે. પ્રથમ શુદ્ધિ છે દૈહિક શુદ્ધિ. મંદિરમાં પ્રવેશનાર સૌ કોઈ માટે આ શુદ્ધિનો અત્યંત આગ્રહ સેવાયો છે. શાસ્ત્રકારો નાહી-ધોઈને અથવા હાથ-પગ-મોં ધોઈને પ્રભુ દર્શન માટેનો આગ્રહ રાખે છે.

પગરખા કાઢીને મંદિરના દ્વારે પ્રવેશતો દર્શનાર્થી સૌપ્રથમ હનુમાનજી અને ગણપતિનાં દર્શન પામે છે. એક દેવ દ્રઢતા – આત્મબળ બક્ષે છે બીજા દેવ શુભ વિચારો – મંગલકામનાઓ પ્રેરે છે. આગળ આરોહણ કરતા ભક્તની નજર સામે ભગવાનનું વિશાળ મહાલય મનને ભરી દે છે. મંદિરના સ્થંભોની પંક્તિ, શિલ્પો, કલાત્મક કમાનો, ઘુમ્મટ-ઘુમ્મટીઓ, શિખરો, કળા અને ધર્મધજા – એ બધું નીરખતો ભક્ત ભગવાનના ચરણ તરફ ગતિ કરે છે. આ બધું  એના મનની ભૂમિકા બદલી નાખે છે. દુન્યવી ઇમારતો – મકાનો કરતા એ રચના મનુષ્યને હૈયે કંઈક વિશિષ્ટ સ્પંદનો જગાવે છે. ભક્તોની ચરણ રજ મસ્તકે ચઢાવતો, ભક્તિભાવથી ભરપૂર ભક્ત દેવ દ્વાર આગળ આવીને પ્રભુ દર્શનની જિજ્ઞાસાથી ઉભો રહે છે. નગર ગુંજી ઊઠે છે, ઝાલર રણકી ઊઠે છે, ઘંટનાદ નામ ધુર તરંગો વહેતા થાય છે, દ્વારખુલે છે, અને પ્રકાશમાન આરતીની જ્યોતિના અજવાળે એ ભગવાનની દિવ્યમૂર્તિને પોતાના નયન દ્વારા હૈયે ઉતારે છે, ચિત્ત ભાવવિભોર બની જાય છે. પ્રભુની વરદ અભય હસ્તમુદ્રાથી એ નિર્ભયતા પામે છે અને તન મનના તાપ શમી જાય છે, સંસાર – અગ્નિ હોલવાઈ છે અને પરમાનંદનો અનુભવ થાય છે.

પ્રાર્થના, પ્રણામ અને પ્રદક્ષિણાથી પ્રભુને વધુને વધુ સમીપ અનુભવ તો ભક્ત મંદિરના સભા ગ્રૃહમાં પ્રવેશે છે. અહીં બ્રહ્મ-પર બ્રહ્મની સહજ સરળ વાતો હૃદય સોસરવી ઉતરી જાય છે.  જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે, વિકટ પ્રશ્નો સામઝઝૂમવાની દિવ્ય તાકાત મળે છે, જીવનને સમજવાની નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, ભક્તિની સાચી રીતનુ ભાન થાય છે.

મનનો આત્માના મેલ ધોવાયાના અનુભવ સાથે મુમુક્ષુ જ્યારે મંદિરના દિવ્ય વાતાવરણમાંથી બહાર આવે છે ત્યારે એના મન-આત્મા નિર્મળતાની શુદ્ધિના પરમ અનુભવથી હર્યા ભર્યા બની ચુક્યા હોય છે. ભક્તિના નવતર આનંદથી એ પલ્લવિત થઈ રહ્યા હોય છે. આ છે મંદિર. જે માત્ર ઈટ-પથ્થરની ઈમારત નહીં, માત્ર સ્થાપત્ય જ નહીં પરંતુ મનુષ્યને નિર્મળ કરતુ, પરિશુદ્ધ કરતુ એક વિશિષ્ટ સંસ્કાર ધામ. મનુષ્યની જડતાને દૂરકરતું અને એમાં દિવ્ય ચૈતન્ય પ્રેરતું ચૈતન્ય ધામ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.