બાબર નામામાં મંદિર તોડી મસ્જીદ બનાવવાનો કોઈ જ ઉલ્લેખ કરાયો નથી
સુપ્રીમ કોર્ટમાં બુધવારનાં રોજ અયોઘ્યા કેસમાં ૧૪માં દિવસની સુનાવણી પુરી થઈ ગઈ છે. રામજન્મભૂમિ પુનરૂદવાર સમિતિએ તેની દલીલો કોર્ટમાં રજુ કરતા જણાવ્યું હતું કે, મુગલ સામ્રાજય પહેલા ૩ ગુંબજવાળી ઈમારત એટલે કે મસ્જિદ ન હતી.
મસ્જિદમાં જે પ્રકારની ચીજવસ્તુઓની આવશ્યકતા હોય છે અને જે જરૂરત હોય છે તે પણ જોવા મળી રહી નથી. સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિવાદિત ઈમારતનું નિર્માણ કરનાર કોણ લોકો હતા તે હજી પણ આશંકા છે.
તેઓએ ઉમેર્યું હતું કે, મીર બાકી નામનો કોઈ જ સેનાપતિ બાબરનાં સેનાપતિ તરીકે કાર્ય કરતો ન હતો. રામજન્મભૂમિને લઈ પુનરૂદવાર સમિતિનાં વકિલ પી.એન.મિશ્રાએ પોતાની દલીલો રજુ કરતા ૩ મુખ્ય પુસ્તકોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આઈના એ અકબરી, હુમાયુનામામાં બાબરી મસ્જીદનાં નિર્માણનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. તુર્કે જહાંગીરી પુસ્તકમાં પણ બાબરી મસ્જિદ અંગે કોઈ ઉલ્લેખ નથી. બાબર માત્ર એટલું જ જાણતા હતા આ જમીન વકફની છે. વધુમાં પી.એન.મિશ્રાએ જણાવ્યું હતું કે, નિકોલા મનુચીએ એક પુસ્તક ઈટાલીયન ભાષામાં લખ્યું છે જેમાં તે ઔરંગઝેબનો કમાન્ડો હોવાનું જણાવાયું હતું.
આ અગાઉ ૧૩ દિવસે નિર્મોહી અખાડાની દલીલો પુરી થયા બાદ રામજન્મભૂમિ પુનરૂદવાર સમિતિ તરફથી પી.એન.મિશ્રાએ પોતાનો પક્ષ રજુ કરવાનું શરૂ કર્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે, મંદિરને કોઈ અન્ય સ્થળ પર સ્વીફટ ન કરી શકાય. હિન્દુઓ માટે એ બાબત મહત્વની નથી કે મંદિર બાબરે તોડી પાડયું હતું કે ઔરંગઝેબે ? આ મુદ્દો મુસ્લિમ પક્ષ માટે મહત્વ ધરાવે છે કે બાબરે મસ્જિદનું નિર્માણ કેવી રીતે કરાવ્યું હતું પરંતુ હાલ હિન્દુ પક્ષકારો દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી રહી છે કે, બાબર અથવા તો મોગલ સામ્રાજયનાં જન્મ પહેલા જ મંદિર અસ્તિત્વમાં છે.