સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં 26મી સુધી કોલ્ડવેવની આગાહી: રાજકોટનું તાપમાન પણ સિંગલ ડિજીટમાં
અબતક, રાજકોટ
જમ્મુ-કાશ્મીર સહિત ઉતરભારતનાં રાજયોમાં પડી રહેલી હિમવર્ષનાં કારણે રવિવારથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. આજથી ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. ગીરનાર પર્વત પર આજે તાપમાનનો પારો 3.3 ડિગ્રીએ પહોચી ગયો હતો. જયારે નલીયાનું તાપમાન આજે 4.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. અમદાવાદ 6.7 ડિગ્રી સાથે અને રાજકોટ 9.7 ડિગ્રી સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાયા હતા હજી બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આગામી ત્રણ દિવસ રાજયમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળશે આજે ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં ઠંડીનો પ્રકોપ જોવા મળશે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાવકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળશે.બુધવારે પણ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને કચ્છમાં કોલ્ડવેવ રહેશે.
દરમિયાન આજે જૂનાગઢના ગીરનાર પર્વત પર તાપમાનો પારો 3.2 ડિગ્રીએ પહોચી ગયો હતો. કચ્છનું નલીયા પણ આજે 4.6 ડિગ્રી સેલ્સીયસ સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાયું હતુ. અમદાવાદનું લઘુતમ તાપમાન 6.7 ડિગ્રી રહેવા પામ્યું હતુ. જૂનાગઢ શહેરનું તાપમાન 8.2 ડિગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન 9.7 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ. આગામી બે દિવસોમાં હજી તાપમાનનો પારો બે ડિગ્રી સુધી નીચો પટકાય તેવી શકયતા પણ વ્યકત કરવામાં આવી છે.
હનુમાનજીને પણ ગરમ વસ્ત્રોનો શણગાર
લોકો ઠંડીથી રક્ષણ મેળવવા અલગ અલગ ઉપાયો કરતા હોય છે. ભક્તો પોતાની ભાવના વ્યક્ત કરવા ભગવાનને પણ ઠંડીમાં ગરમ વસ્ત્રો, ગરમ શાલ, હીટર વગેરેની વ્યવસ્થા સાથે શણગાર કરે છે. એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવને પુજારીએ ઉનના વાઘા તથા ગરમ શાલ, ઉનની શાલ, હીટર વગેરેથી ઠંડીથી રક્ષણ મળે એવા ભાવ સાથે શણગાર કર્યો હતો.