• રાજસ્થાનના ઠારના રણ અને ઉત્તર-પશ્ર્ચિમ ભારત તરફથી ગુજરાતમાં ફૂંકાતા સુક્કા અને ગરમ પવનના કારણે તાપમાનનો પારો 48 ડિગ્રીને લગોલગ પહોંચી ગયો હતો 2004માં પણ ઉનાળાની સિઝનમાં મહત્તમ તાપમાન 45.8 ડિગ્રીએ આંબ્યુ હતું

સૂર્ય નારાયણ કાળઝાળ બની આકાશમાંથી અગનવર્ષા કરી રહ્યા છે. ગત શનિવારે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 44.5 ડિગ્રીએ પહોંચી જતા જનજીવન ત્રાહિમામ પોકારી ગયું હતું. હજુ 45 ડિગ્રી સુધી તાપમાન જવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. આજથી 119 વર્ષ પૂર્વે મે મહિનામાં રાજકોટ શહેરનું તાપમાન 47.9 ડિગ્રી નોંધાયું હતું. જે મહત્તમ તાપમાનનો રેકોર્ડ છે. જો કે, 20 વર્ષ પહેલા એટલે કે વર્ષ-2004માં મે માસમાં તાપમાનનો પારો 45.8 ડિગ્રી આંબી ગયો હતો.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટના ઇતિહાસમાં ઉનાળાની સિઝન દરમિયાન મે માસમાં 47.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

જે રેકોર્ડ છે. રાજસ્થાનના ઠારના રણ ઉપરથી અને ઉત્તર ભારત તથા ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં તે સમયે તીવ્ર હીટવેવ ચાલી રહી હતી. જેના કારણે ગુજરાત તરફ સુક્કા અને અતિ ગરમ પવન ફૂંકાવાના કારણે તા.02/05/1905ના રોજ તાપમાનનો પારો 47.9 ડિગ્રીએ પહોંચી જવા પામ્યો હતો. આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. વર્ષ-2004માં 5-મે ના રોજ રાજકોટનું તાપમાન 45.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે થર્ડ હાઇએસ્ટ ટેમ્પ્રેચર 7 જૂન, 1897માં 45.7 ડિગ્રી નોંધાયું હતું. તા.09/06/1991માં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો હતો અને મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી નોંધાયુ હતું. વર્ષ-2002માં એપ્રિલ માસમાં જ સૂર્યનારાયણ કાળઝાળ બની ગયા હતા અને 30-એપ્રિલના રોજ મહત્તમ તાપમાન 45.1 ડિગ્રી નોંધાયું હતું.

તા.30/05/1995ના રોજ રાજકોટનું તાપમાન 44.9 ડિગ્રી અને તા.28/4/2009ના રોજ શહેરનું તાપમાન 44.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા એક પખવાડીયાથી સૂર્ય નારાયણ રિતસર લાલઘૂમ બની ગયા છે. ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાઇ રહ્યું છે. દરમિયાન આગામી પાંચ દિવસમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે અને તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી જવાની પ્રબળ સંભાવના રહેલી છે.

બે વાર જૂન માસમાં અને એકવાર એપ્રિલમાં પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો

સામાન્ય રીતે મે માસ સૌથી ગરમ રહેતો હોય છે. રાજકોટના ઉનાળાના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો 1897 અને 1991માં જૂન માસ જ મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. સામાન્ય રીતે જૂન માસમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ જતી હોય છે. જેના કારણે વાદળર્છાંયુ વાતાવરણ રહેતું હોય છે. બફારાનો અહેસાસ થતો હોય છે. પરંતુ 7 જૂન, 1997ના રોજ મહત્તમ તાપમાન 45.7 ડિગ્રી અને 9 જૂન-1991ના રોજ મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી નોંધાયું હતું. તો બીજી તરફ વર્ષ-2002માં 30મી મેના રોજ રાજકોટનું મહત્તમ તાપમાન 45.1 ડિગ્રીએ પહોંચી ગયું હતું.

શુક્રવાર સુધીમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા

અમદાવાદના મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનું આગામી પાંચ દિવસ તાપમાન કેવું રહેશે તે અંગે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજથી આગામી શુક્રવાર સુધી શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી જવાની પ્રબળ સંભાવના જણાઇ રહી છે. ઉનાળાની સિઝનમાં ગરમીનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તૂટે તેવી શક્યતા પણ જણાઇ રહી છે. 2002માં રાજકોટનું મહત્તમ તાપમાન 45.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 1991માં 45.3 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું. આ રેકોર્ડ આ વર્ષે બ્રેક થવાની પૂરી શક્યતાઓ દેખાઇ રહી છે. રેડ એલર્ટને લઇ કોર્પોરેશન દ્વારા ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે.

રાજકોટમાં રેડ એલર્ટ બપોરે ઘરની બહાર ન નિકળવા તાકીદ

આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી વચ્ચે કોર્પોરેશન દ્વારા ગાઇડલાઇન જાહેર

રાજકોટમાં રેડ એલર્ટની ઘોષણા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રીએ આંબી તેવી શક્યતા વચ્ચે હીટવેવ સંદર્ભે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આજથી લઇ શુક્રવાર સુધી તાપમાન ઉંચો રહેશે. લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

રેડ એલર્ટ વચ્ચે આરોગ્યલક્ષી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં લોકોને જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીઓ. મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો. ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશનનો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસ/લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો. મોસમી ફળો અને શાકભાજી ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ,

અનાનસ, કાકડી, અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો અને શાકભાજી.

 મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા, ઢીલા, વજનમાં હલકાં, સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરો.

 તમારું માથું ઢાંકેલું રાખો, સૂર્યપ્રકાશનાં સીધા સંપર્કમાં આવવા દરમિયાન છત્રી, ટોપી, ટુવાલનો ઉપયોગ કરો.

 તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરો.

 હવાની અવરજવર વાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહો.

સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરો: દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધરાખો, ખાસ કરીને તમારા ઘરની સૂર્ય તરફ ની બાજુ. ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખોલો. જો બહાર જવાનું હોય, તો તમારી આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત કરો કોના માટે વધુ જોખમકારક છે?

નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, વૃદ્ધ લોકો, અન્ય બીમારી જેવી કે હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર હોય તેવા લોકોની ખાસ કાળજી લેવી જોઈએ.

એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઇએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ

કરવું જોઈએ.

તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે સુતી વખતે બારીઓ ખુલ્લી રાખો.

 શરીરને ઠંડુ કરવા માટે પંખા, ભીના કપડાનો ઉપયોગ કરો.

આટલું ના કરો

 તડકામાં બહાર નીકળવાનું ટાળો. ખાસ કરીને બપોરે 12:00 થી 03:00 વાગ્યાની વચ્ચે.

 બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાલીપ્રવૃત્તિઓ ટાળો.

 ખુલ્લા પગે બહાર ન જાવ.

ઉનાળાના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખોલો.

આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળોજે વાસ્તવમાં, શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે.

વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.

પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.

હિટ સ્ટ્રોકનાં લક્ષણો

 શરીરનાં તાપમાનમાં વધારો.

 ગભરામણ થવી.

 ઉલટી -ઉબકા થવા .

 પરસેવો બંધ થવો.

 અમુક સંજોગોમાં બેભાન થવું.

જો કોઈ વ્યક્તિને હીટસ્ટ્રોકની અસરથાય ત્યારે જો શક્ય હોય તો દર્દીને ઠંડી જગ્યાએ ખસેડો. ત્વચાના મોટા ભાગોમાં અથવા કપડાં પર ઠંડુ પાણી લગાવવું. વ્યક્તિને શક્ય તેટલો પવન નાખો. શક્ય હોય તો ઓ.આર.એસ.નું દ્રાવણ અથવા લીંબુ પાણી આપવું.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.