દુનિયાને સાવ નાનકડી કરી દેનાર શોધનો આજે દિવસ: ફોનને કારણે જ દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઇ: ટેલીફોને પણ ઘણા ફેરફારો જોયા છે, લેન્ડ લાઇન પછી સેટેલાઇટ ફોન બાદ આજે આંગળીના ટેરવે દુનિયા લાવી દેતા સ્માર્ટ ફોનનો જમાનો આવી ગયો
બેલને સૌપ્રથમ તેની શોધ માટે 1876માં યુ.એસ. પેટન્ટથી નવાજ્યા હતા: આજે મોબાઇલ દુનિયામાં રોજેરોજ નવી ક્રાંતિ-શોધ-સંશોધનો આવે છે: 1870ના દાયકામાં એલિશા ગ્રે અને ગ્રેહામ બેલેએ સ્વતંત્રપણે આની શોધનો પ્રારંભ કરીને ડિઝાઇન નિર્માણ કરી હતી
જુના જમાનામાં કોઇકને ઘેર દોરડા વાળો ફોન હોય તો એ જમાનામાં સ્ટેટ્સ ગણાતું. દુનિયામાં પ્રથમવાર ટેલીફોન પર બોલાયેલા શબ્દો તેના શોધક ગ્રેહામ બેલેના હતા. તેણે તેના મિત્ર વોટ્સનને ફોન લગાડીને કહ્યું “વોટ્સન અહીં આવો, હું તમને જોવા માગું છું” આ શબ્દો સાંભળી તે આવે છે, તે વાત બરોબર સમજી ગયો, શબ્દો સમજાયા અને સુચનાનું પાલન કર્યું અને એક નવી દુનિયા પ્રારંભ થઇ જે આજે સ્માર્ટ ફોન દુનિયાની ક્રાંતિ બની ગઇ છે. આપણે નાનપણમાં બે બોક્સ વચ્ચે દોરો બાંધીને એકબીજાથી દૂર ઉભા રહીને વાતો કરતા અને રમતા પણ હતા. ટેલીફોન આપણા જીવનનું મહત્વનું અંગ હતું. ઇમરજન્સીમાં સંદેશા વ્યવહારમાં તે ખૂબ જ ઉપયોગી થઇ પડતો હતો. દોરડાવાળા ફોનમાં પણ પહેલા ફોન લખાવવો પડતોને પછી વારો આવતો. ઇન્ટરનેશનલ કોલ કરીને વિદેશોમાં પણ અગત્યના કામે વાત કરતા હતા.
ધીમેધીમે પ્રગતિ થતી ગઇને દોરડાવાળા ફોનમાંથી કોડ લેશ ફોન આવ્યા, પેજર આવ્યા, એસ.ટી.ડી.ના ફોન આવ્યા. પ્રગતિ થતા સેટેલાઇટ ઇનકમીંગ અને આઉટ ગોઇંગના પૈસા ચૂકવવા પડતા હતા જે બાદમાં ઇનકમીંગ ફ્રી થઇ જતાં વપરાશકર્તામાં વધારો થવા લાગ્યો હતો. આજના યુગમાં તો અદ્યતન લાખેણા મોબાઇલ ફોન બઝારમાં આવી ગયા છે. 2007માં એપલના સ્માર્ટ ફોન આગમને ક્રાંતિ લાવી દીધી હતી. દુનિયામાં 1877માં બોસ્ટનથી સોમર વિલે વચ્ચે ટેલીફોન લાઇન પ્રથમ વખત નાંખવામાં આવી હતી. 1970ના દાયકામાં પ્રથમવાર કોડલેસ ફોન આવ્યા હતા. 1994માં ડિજિટલ કોર્ડલેસ ફોનનો યુગ શરૂ થયો હતો.
પ્રારંભે મોબાઇલ મોંઘા હતા, એટીએન્ડટી દ્વારા 1946માં પ્રથમવાર લોંચ થયા હતા. 1980માં વ્યવસ્થિત નેટવર્ક માળખુ રચાતા તેના ઉપયોગકર્તાને ઘણી ફેસીલીટી મળવા લાગી હતી. આજે ઉપયોગમાં લેવાતા સેલ ફોનનું નેટવર્ક 1947થી અમલમાં આવ્યું હતું.
1973માં મોટારોલાએ પ્રથમ હેન્ડ સેલ્યુલર ફોન લોન્ચ કર્યો હતો. 1878માં પ્રથમવાર ટેલીફોન વપરાશકર્તાની ટેલીફોન ડિરેક્ટરી બહાર પાડવામાં આવી હતી. યલોપેજીસ બુક 1886માં શરૂ થઇ હતી. 1980 સુધી ખાનગી પ્રકાશનો દ્વારા આ બુક પ્રકાશીત થતી હતી.
1960માં બ્રાઝિલ, જાપાન અને ગ્રીસના વૈજ્ઞાનિકોએ કોલર આઇ.ડી.ની શોધ કરી હતી, જે 1984માં સેવા બધે ઉપલબ્ધ થઇ ગઇ હતી.
ટેલીફોનની એનાલોગ સિસ્ટમ 1980 થી 1990 સુધી સામાન્ય ઘરોમાં કાર્યરત હતી. 1949માં સેલફોન પહેલાના યુગમાં પેજર હતા. 20મી સદીમાં ટેલીફોન આધુનિક જીવનશૈલીનો ભાગ ગણાતો જેને આજે અગ્રિમ સ્થાન લઇ લીધું છે. 1 થી 9 અને 0 આ આંકડાઓ સાથે જે-તે એરિયા કે દેશના કોડથી ગમે તેનો નંબર દર્શાવાતો હતો. 1999માં મોબાઇલ ઓપરેટરે WAP ટેકનોલોજી રજૂ કરતાં મોબાઇલ ઉપભોક્તાને ઇન્ટરનેટ એક્સેસ મળવા લાગ્યું, 2002માં GPRS એન્ડ યુ.એમ.ટી.એસ. બાદ 3જી નેટવર્ક આવ્યું. 2009માં સ્વીડીશ કંપનીએ વિશ્ર્વની પ્રથમ 4જી નેટવર્કની શરૂઆત કરી હતી.
આજના સોશિયલ મીડિયા યુગમાં ટેલીફોનની શોધ તેના મહત્વ સાથે અગ્રિમ ગણાય છે. ભવિષ્યમાં થતાં વિવિધ ફેરફારો દુનિયાને ક્યાં લઇ જશે તે નક્કી નથી. મોબાઇલ ફોને આપણું જીવન સરળ બનાવ્યું છે, આજે આદાન-પ્રદાન સાથે ઝડપથી મેસેજ મોકલવાનું સરળ બન્યું છે. વિડીયો કોલીંગ સિસ્ટમ આવી જતાં હવે દુનિયાના ગમે તે છેડા પર બેઠેલો માનવી તેના કોઇપણ મિત્ર કે સગા સાથે લાઇવ વાતો કરી શકે છે. ટેલીફોન યુગની ક્રાંતિને કારણે આવેલ મોબાઇલ ફોનનાં ફાયદાની સાથે ગેરફાયદા વધુ જોવા મળી રહ્યા છે.
ફાયદાઓમાં વિદ્યાર્થી માટે કટોકટીની સ્થિતિમાં તે બહુ જ ઉપયોગી છે. ઓનલાઇન ભણવામાં કામ આવે છે, સરળતાથી પરિવારનો સંપર્ક કરી શકે છે. શિક્ષક-છાત્ર એકબીજા કોલ કરીને પ્રશ્ર્નોના જવાબો મેળવી શકે છે. આજે આપણે વિશ્ર્વમાં બનતી તમામ ઘટનાઓ લાઇવ જોઇ શકીએ છીએ. ગણતરીની મીનિટમાં આપણને ન્યુઝ મળી જાય છે. આજનો ફોન એલાર્મ, ઘડિયાળ સાથે વિવિધ રીમાઇન્ડર પણ આપે છે. મોબાઇલમાંથી નીકળતા ઇલેક્ટ્રો મેગનેટિકથી તમારૂ DNA ક્ષતિગ્રસ્ત થઇ શકે છે, જે માનસિક રોગી બનાવે છે. આજના યુગમાં તણાવ અને ડીપ્રેશનનું કારણ મોબાઇલ રેડિએશન છે, તે મગજની કોશિકાઓને સંકુચિત પણ કરે છે.
આ મહત્વની શોધને કારણે આજના યુવાવર્ગ નેટના માધ્યમથી ન જોવાનું ઘણું જોવે છે તો નાના બાળકો પણ સર્ફિંગ કરતા ઘણું ન જોવાનું તેને ધરાર જોવા મળે છે.
વાહન ચલાવતા ફોનના ઉપયોગથી અકસ્માત પણ વધવા લાગ્યા છે તો નાના બાળકોને તેના વધુ વપરાશથી ચશ્મા પણ આવવા લાગ્યા છે. આજે આપણે જ આપણી ટેકનોલોજીની જાળમાં ફસાઇ રહ્યા છીએ. બાળકોને તેનાથી કેમ દૂર રાખવા તે આજે દરેક મા-બાપનો યક્ષ પ્રશ્ર્ન છે. ટેકનોલોજીએ જિંદગી સરળ બનાવી પણ તેના ઘણા ગેરફાયદા આજે આપણે ભોગવી રહ્યા છીએ.
સોશિયલ મીડિયા ખૂબ આસાનીથી બાળકોના વિચારો અને વ્યવહારો બદલી નાંખે છે. દરેક મા-બાપોએ બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા અને ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનનો ઉપયોગ ઓછો કરવા દેવો. આજના યુગમાં તેનો વિવેકપૂર્ણ ઉપયોગ જ આપણું ભવિષ્ય સુધારશે.
ફોન ઉપાડતા જ આપણે HELLO કેમ બોલીએ છીએ?
આ શબ્દ પાછળ ઘણી બધી લોકવાયકા છે પણ 19મી સદીમાં આ શબ્દ ચલણમાં આવ્યો હતો. 7 માર્ચ 1876માં ટેલીફોન શોધના પેટન્ટ મળ્યા બાદ શોધક ગ્રેહામ બેલ ટેલીફોન વાત શરૂ કરતાં પહેલા હેલ્લો બોલતા હતા, જો કે તેઓ અહો (Ahoy)બોલતા હતા. ગેરસમજને કારણે અહોમાંથી હેલ્લો થઇ ગયું હતું. શબ્દકોશમાં પણ હેલ્લોનો અર્થ નમસ્તે કે સલામ તરીકે કરાયો છે. એકબીજા જ્યારે મળે ત્યારે હેલ્લો શબ્દનો પ્રયોગ કરે છે. એ જમાનામાં ટેલીફોન એક્સચેન્જમાં કામ કરનાર લેડીજ ઓપરેટરને ‘હેલો ગર્લ્સ’ કહેવામાં આવતું. આ શબ્દનો ઉપયોગ શુભેચ્છા માટે પણ શરૂ કરાયો હતો. ટેલીફોન પર સ્વાગત શબ્દ તરીકે HELLO નો ઉપયોગ કરાયો હતો.
મોબાઇલ ફોન શું છે?
તે એક પોર્ટેબલ ટેલીફોન છે, જે એક રેડીયો ફીકવન્સી લીંક પર કોલ કરી શકે છે અને કોલ પ્રાપ્ત કરી શકે છે. તેને સેલ્યુલર, સેલ કે હેન્ડફોન પણ કહેવાય છે. મોબાઇલ એટલે ટુ મુવ એટલે કે એવુ ડીવાઇઝ છે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ખસેડી શકાય છે. હાલમાં મોબાઇલે પોતાનું સ્થાન અગત્યની ચીજવસ્તુમાં સામેલ કર્યું છે. સમય અને ટેકનોલોજીની સાથે ફોન ક્યારે સ્માર્ટ ફોનમાં કનવર્ડ થઇ ગયો તેની ખબર જ ન પડી. બિઝનેશ માટે પણ તે આજે જરૂરી બન્યો છે.