નવી શિક્ષણ નીતિ-2020 અન્વયે જુન-2023થી ધો.1-2માં અંગ્રેજી વિષયના શ્રવણ-કથન કૌશલ્યનો વિકાસ કરાશે: ધો.3થી લેખન કૌશલ્ય વિકસાવાશે
સમગ્ર દેશમાં જૂન-2023થી નવી શિક્ષણ નીતિ લાગુ પડવા જઇ રહી છે ત્યારે તેના માટેની તડામાર તૈયારીઓ, શિક્ષકો માટેની તાલિમ વર્કશોપ, માસ્ટર ટ્રેનર વિવિધ મોડ્યુલ અને શિક્ષક આવૃત્તિ પણ વિષય વાઇઝ તૈયાર થઇ ગઇ છે. શિક્ષકો માટે વિવિધ તાલિમ પણ યોજાવા લાગી છે. શહેરની શિક્ષણ સમિતિની સરકારી શાળામાં ધો.1-2નાં શિક્ષકોને અંગ્રેજી વિષયના બાળકોને કેવી રીતે મહાવરો કરાવવો તેની બે દિવસની તાલિમ વેસ્ટ ઝોનની શાળાનાં શિક્ષકો માટે યોજવામાં આવી હતી. જેમાં 29થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો.
સમગ્ર તાલિમ આયોજન યુ.આર.સી. વેસ્ટ શૈલેષભાઇ ભટ્ટ તથા તજજ્ઞો હિતાબેન કગથરા અને બી.આર.સી. કાનજીભાઇએ કરેલ હતું. સમગ્ર તાલિમમાં શિક્ષકો પણ ટુકા વાક્યો શબ્દો સાથે બાળકોની અંગ્રેજી ભાષાના મહાવરાની તાલિમ અપાઇ હતી. વિવિધ પ્રવૃત્તિ દ્વારા પણ વિષય વસ્તુની સમજ અપાઇ હતી. નવી એજ્યુકેશન પોલિસીમાં ધો.1-2માં અંગ્રેજી વિષયમાં શ્રવણ-કથન કૌશલ્યો જ ખીલવવાના છે. ધો.3થી તેને અંગ્રેજી લેખન તરફ વાળવાના છે. પ્રાથમિક શિક્ષણમાં દરેક બાળકો વાંચન-ગણન અને લેખન કૌશલ્યો સિધ્ધ કરે એવો મુખ્ય હેતું છે. જેના ભાગરૂપે જ વિવિધ આયોજન થાય છે.
તાલિમમાં ઘણુ જાણવા મળ્યું: ભારતીબેન મોણપરા (શિક્ષક)
અમોને બે દિવસ ધો.1-2ના નાના બાળકોને અંગ્રેજી વિષય કેમ શીખડાવવાનો તેની વિવિધ તાલિમ અને પ્રવૃત્તિઓ સમજાવાઇ હતી. આ તાલિમથી ઘણું જ્ઞાન મળે છે.
ગુજરાતી, હિન્દી પછી હવે નાના બાળકોઅંગ્રેજી શબ્દ બોલશે: શૈલેષભાઇ ભટ્ટ, (યુ.આર.સી.-વેસ્ટ)
નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો.1-2નાં શિક્ષકોને તાલિમમાં ગુજરાતી, હિન્દી પછી હવે બાળક નાના-નાના અંગ્રેજી શબ્દો સાંભળે, બોલે, સમજે અને વિચારતો થાય તેવો પ્રયાસ આ તાલિમનો હતો. બાળકોને બોલતો કરવાનો છે, લખતો નહી.
ત્રીજી ભાષા તરીકે અંગ્રેજીનું મહત્વ વિશેષ: વી.ઓ.કાચા, (નિવૃત્ત પ્રાચાર્ય)
ગુજરાતી ભાષા માતૃભાષા હોવાથી બધા બાળકોને આવડતી હોય છે અને હિન્દી ટીવી ધારાવાહિક ફિલ્મોને કારણે બોલતો થયા બાદ હવે નવા વર્ષથી નાના બાળકો પણ અંગ્રેજીના વિવિધ શબ્દો બોલતા થશે તેવો આ તાલિમનો હેતું છે.