ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી અને પીજીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓનો પ્રારંભ થઇ ચુક્યો છે. આ વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજના આચાર્યનો સરક્યુલર મોકલી પરીક્ષાઓના ઉત્તરવહી મૂલ્યાંકનને લઇને ખાસ ફરજ પાડવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ દરેક અધ્યાપકોએ ફરજીયાત 200 ઉત્તરવહી તપાસવાની રહેશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા મૂલ્યાંકનને લઇ ચીમકી આપવામાં આવી છે કે જો અધ્યાપક ઉત્તરવહી નહિં તપાસે તો તેની સામે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરાશે.
જો અધ્યાપક ઉત્તરવહી નહિં તપાસે તો તેની સામે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરાશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા નક્કી કરાયેલા મૂલ્યાંકન કેન્દ્ર ખાતે અધ્યાપકોએ ઉત્તરવહી તપાસવાની રહેશે. આ સાથે કોઇપણ અધ્યાપક ઉત્તરવહીઓ ઘર લઇને તપાસી શકશે નહિં. દરેક અધ્યાપકે ઉત્તરવહી મૂલ્યાંકન કર્યાનું પ્રમાણપત્ર કો-ઓર્ડિનેટર પાસેથી મેળવીને આચાર્યને રજૂ કરવાનું રહેશે. ગુજરાત યુનિવર્સિટીના સરક્યુલર પ્રમાણે દરેક અધ્યાપકે ફરજિયાત 200 ઉત્તરવહી તપાસવાની રહેશે.
ગુજરાત યુનિવર્સિટીના સરક્યુલર પ્રમાણે જે અધ્યાપકો ઉત્તરવહી મૂલ્યાંકન કરવા માટે આવશે તેઓની રજા ન ગણીને તેઓને ઓન ડ્યુટી ગણવામાં આવશે. તેમને કોલેજમાં આવીને ફરજીયાત હાજરી પૂરવાનો આગ્રહ રાખવામાં આવશે નહિં. ગુજરાત યુનિવર્સિટીના ધારા ધોરણ પ્રમાણે દરેક અધ્યાપકે પેપરો ફરજીયાત તપાસવાના રહેશે. કોલેજના આચાર્યો દ્વારા અધ્યાપકોને આ બાબતની જાણ કરવામાં આવશે.