92.5 ટકા શિક્ષકોએ જુના જમાનાની શિક્ષણ પધ્ધતિ શ્રેષ્ઠ ગણાવી
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.ધારા દોશીએ 981 શિક્ષકો પાસેથી માહિતી મેળવી સર્વે કર્યો
અબતક,રાજકોટ
શિક્ષકને એક નહીં અનેકો સમસ્યા પજવે છે,શિક્ષકને હવે પોતાના વ્યવસાયનો ભાર લાગે છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણના માર્ગદર્શન માં ડો. ધારા આર. દોશી એ 981 શિક્ષકો પાસેથી માહિતી મેળવીને સર્વે કર્યો. સર્વેના તારણો સમાજને ચેતવણી આપતા અને ચોંકાવનાર છે.આ સર્વેમાં 981 શિક્ષકોના અલગ અલગ મત આવ્યા છે જેમાં 92.5 ટકા શિક્ષકોએ જુના જમાનાની શિક્ષણ પધ્ધતિ શ્રેષ્ઠ ગણાવી છે ત્યારે અન્ય શિક્ષકોને હાલની શિક્ષણ પધ્ધતિ જ શ્રેષ્ઠ લાગે છે.
- આજની શિક્ષણ પદ્ધતિ કરતા પહેલાની શિક્ષણ પદ્ધતિમાં શિક્ષક મુક્ત મને ભણાવી શકતા હતા?
જેમાં 92.5% શિક્ષકો એ હા અને 7.5% શિક્ષકોએ ના કહી
- એક શિક્ષક તરીકે તમને વિદ્યાર્થીઓને ખિજાવાનો અને ખિજાયા પછીના પરિણામોનો ભય લાગી રહ્યો છે?
જેમાં 83.9% શિક્ષકોએ હા અને 16.1% શિક્ષકોએ ના જણાવી
- વારંવાર શિક્ષક તરીકે વાલીઓનું દબાણ અનુભવી રહ્યા છો?
જેમાં 68.8% શિક્ષકોએ હા અને 31.2% એ ના જણાવી
- બાળકોની ભૂલ હોવા છતાં પણ તમે એને ઠપકો આપવામાં ભય અનુભવો છો? તેમાં 76.3% શિક્ષકોએ હા અને 23.7% એ ના કહી
- વાલીઓ તરફથી ફરિયાદો થવાથી તણાવ અનુભવાય છે?
તેમાં 79.6% શિક્ષકોએ હા અને 20.4% એ ના કહ્યું
- બાળકોને ઠપકો આપ્યા પછી વાલીઓ બાળકોનો પક્ષ લઈને તમારી પાસે આવે છે?
તેમાં 74.2% શિક્ષકોએ હા અને 25.8% એ ના કહી
- ગુણ ઓછા આવે તો તેનું કારણ શિક્ષકોને માનવામાં આવે છે?
તેમાં 80.6% શિક્ષકોએ હા અને 19.4% એ ના કહ્યું
- બાળકો ભણે નહિ તો પણ તેમને ઓછા માર્ક્સ આપી શકતા નથી?
તેમાં 72% શિક્ષકોએ હા અને 28% એ ના કહ્યું
- શિક્ષકો વચ્ચે હરીફાઈ થવાથી પણ તણાવ અનુભવાય છે?
તેમાં 57% શિક્ષકોએ હા અને 43% એ ના કહ્યું
- જુના સમયમાં જ્યારે શિક્ષક ઠપકો આપતા ત્યારે માતા પિતા બાળકની જગ્યાએ શિક્ષકનો પક્ષ લેતા એ વ્યાજબી હતું? તેમાં 91.4% શિક્ષકોએ હા અને 8.6% એ ના કહ્યું
- એક શિક્ષક તરીકે તમે કોરોના પછી વારંવાર બદલાતી શિક્ષણ પદ્ધતિને કારણે તણાવ અનુભવો છો?
તેમાં 93.5% શિક્ષકોએ હા અને 6.5% એ ના કહ્યું
શિક્ષકોની સમસ્યાઓ
શિક્ષક તરીકે ઘણી વખત ભણાવવા સિવાય પણ અન્ય કામો કરવાના હોય ત્યારે તકલીફ પડતી હોય છે, શિક્ષકને ઘણીવખત મુક્ત વાતાવરણ મળતું નથી, અન્ય કામોની જવાબદારી હોવાથી ઘણી વખત બાળકોને અને વર્ગને પૂરતો સમય નથી આપી શકતા, બાળકોને માત્ર વર્ગમાં નહિ અમારે બહાર પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવું હોય છે પણ એ મુક્તિ મળતી હોતી નથી, પુસ્તકો નહિ અન્ય જ્ઞાન પણ જરૂરી છે, શિક્ષકોને જ્યારે વર્ગના સમયે વહીવટી કામ મળે ત્યારે શિક્ષક તરીકે બાળકોને ન્યાય આપી શક્ત નથી, મેનેજમેન્ટ, વાલીઓ,વિદ્યાર્થીઓ બધાને ન્યાય આપવા જતા ખુદને સમસ્યાઓ ઉભી થાય છે અને તણાવ અનુભવાય છે, બાળકોને ખિજાતા પહેલા ભય લાગે છે કે ક્યાંક નોકરી જતી ન રહે, શિક્ષકને જે પહેલા ગુરુ તરીકે સ્થાન મળતું એ હવે ક્યાંય રહ્યું નથી, માતા પિતા એ સમજવું જરૂરી કે તમારા જેટલી ચિંતા શિક્ષકોને પણ બાળકોની થતી હોય છે..