કોર્પોરેશનમાં ભળેલા ૪ ગામોમાં જંત્રી નીચી હોય ટેકસની આવકમાં મોટો ફાયદો નહીં: તિજોરી તળીયા ઝાટક
ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂા.૨૪૮ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પરંતુ કોરોનાના કપરા કાળમાં લાદવામાં આવેલા લોકડાઉન અને ત્યારબાદ ધંધા-રોજગાર પર પડેલી બેસુમાર અસરના કારણે આ વખતે ટેકસની આવક ૨૦૦ કરોડ પણ ભેગા થાય તેવું લાગતું નથી. કોર્પોરેશનમાં ચાર ગામો ભળ્યા છે પરંતુ ત્યાં જંત્રીનો દર ખુબજ નીચો હોવાના કારણે ટેકસની આવકમાં કોઈ મોટો ફાયદો થાય તેવું લાગતું નથી. ચૂંટણી ટાંકણે જ કોર્પોરેશનની તિજોરી રીતસરી તળીયા ઝાટક થઈ ગઈ છે. રિવાઈઝડ બજેટમાં ટેકસના ટાર્ગેટમાં મોટો કાપ મુકવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂા.૨૪૮ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેની સામે આજ સુધીમાં માત્ર ૧૬૧ કરોડની વસુલાત થવા પામી છે. વર્ષ પુરૂ થવાને આડે હવે ૫૦ દિવસ જ બાકી રહ્યાં છે. આવામાં રોજ ૨ કરોડની વસુલાત કરવામાં આવે તો પણ ટેકસની આવકનો લક્ષ્યાંક કોઈ કાળે પૂર્ણ થાય તેમ લાગતું નથી. અગાઉ ટેકસ બ્રાંચનો સ્ટાફ કોરોનાની કામગીરીમાં જોતરાઈ ગયો હતો અને હવે મોટાભાગની ચૂંટણીલક્ષી કામગીરી સોંપી દેવામાં આવી છે. આવામાં ટેકસ બ્રાંચે પણ ટાર્ગેટ પુરો થશે તેવી આશા છોડી દીધી છે અને હવે માંડ માંડ જેમ તેમ કરી ૨૦૦ કરોડ સુધી પહોંચાય તો પણ સારૂ એવી સ્થિતિ જોવા મળી રહી છે.માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વરનો મહાપાલિકાની હદમાં સમાવેશ થયો છે. પરંતુ આ ચાર ગામોમાં જંત્રીના દર ખુબજ નીચા છે. જેના કારણે તેઓ એ કેટેગરીમાં આવે છે. અહીં ૨૦ હજાર જેટલી મિલકત છે પરંતુ ટેકસ પેટે વધીને ૮ થી ૧૦ કરોડની આવક થાય તેવું લાગી રહ્યું છે. નવા પોશ વિસ્તારોમાં પણ જંત્રીના કારણે ટેકસના બીલ ખુબજ નીચા ગયા છે. જેના કારણે ટેકસના બીલ ખુબજ નીચા મોકલવામાં આવ્યા છે. જેના કારણે આવકમાં ગાબડુ પડ્યું છે.
આ વર્ષે બાકીદારો સામે હાર્ડ રીકવરી શરૂ કરવામાં આવશે નહીં. રીવાઈઝડ બજેટમાં પણ ટેકસના લક્ષ્યાંકમાં મોટો કાપ મુકવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.