૨,૨૫,૪૩૧ પ્રામાણિક કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરીમાં ૫ માસમાં જ ૧૩૦ કરોડ ઠાલવી દીધા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રામાણિક કરદાતાને પ્રોત્સાહિત કરતી વેરા વળતર યોજના ગઈકાલે પૂર્ણ થવા પામી છે. વળતર યોજનાની સાથે ટેકસ બ્રાંચને બજેટમાં આપવામાં આવેલો ૨૬૦ કરોડના ટાર્ગેટ પૈકી ૫૦ ટકા ટાર્ગેટ પૂર્ણ થવા પામ્યો છે. માત્ર ૫ મહિનામાં ૨,૨૫,૦૦૦થી વધુ કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરીમાં ૧૩૦ કરોડ ઠાલવી દીધા છે.

દર વર્ષે નાણાકીય વર્ષના આરંભે કોર્પોરેશન દ્વારા પ્રામાણીક કરદાતાને પ્રોત્સાહિત કરવા માટે વેરા વળતર યોજના લાવવામાં આવે છે. આ વખતે રાજ્ય સરકારના આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત કોમર્શીયલ મિલકતોને વેરામાં ૧૦ને બદલે ૨૦ ટકા વળતર આપવામાં આવ્યું હતું. ગઈકાલે આ યોજના પૂર્ણ થવા પામી છે. જે અંતર્ગત કોમર્શીયલ હેતુની ૬૫૫૨૨ મિલકત ધારકોએ કોર્પોરેશનની તિજોરીમાં વેરા પેટા રૂા.૭૮.૬૫ કરોડ ઠાલવી દીધા છે. જેઓને રૂા.૯ કરોડથી વધુનું વળતર આપવામાં આવ્યું છે. જ્યારે રહેણાંક હેતુની ૧.૬૦ લાખ મિલકત ધારકોએ રૂા.૫૧.૨૭ કરોડ ભરપાઈ કરી રૂા.૫.૫૪ કરોડનું વળતર મેળવ્યું છે. વેરા વળતર યોજના અંતર્ગત મહાપાલિકા દ્વારા કુલ રૂા.૧૪.૬૪ કરોડનું વળતર આપવામાં આવ્યું છે અને પાંચ મહિનામાં ટેકસ બ્રાંચને રૂા.૧૩૦ કરોડથી પણ વધુની આવક થવા પામી છે.

ચાલુ સાલ ટેકસ બ્રાંચને બજેટમાં રૂા.૨૬૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જે અંતર્ગત ૫ માસમાં રૂા.૧૩૦ કરોડની આવક થઈ જવા પામી છે. હવે બાકી રહેતા ૭ માસમાં ૧૩૦ કરોડ હાંસલ કરવા પડશે જે લગભગ અશકય લાગી રહ્યું છે. ચાલુ સાલના અંતમાં મહાપાલિકાને સામાન્ય ચૂંટણી યોજાવાની હોય એવી પણ શકયતા સેવાઈ રહી છે કે, શાસકો દ્વારા મતદારોને આકર્ષવા માટે વ્યાજ માફી યોજના અમલમાં લાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.