ગત વર્ષે આ સમયગાળામાં ટેકસ પેટે મહાપાલિકાને રૂ.૧૩૨ કરોડની આવક થઈ હતી આ વર્ષે માત્ર ૯૪ કરોડની આવક: ૩૧મી બાદ ટેકસની વાંધાઅરજીઓ પણ નહીં સ્વીકારાય
એડવાન્સ ટેકસ ભરતા પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે હાલ મહાપાલિકામાં વેરા વળતર યોજના ચાલી રહી છે જે આગામી ૩૧મી જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે. કાર્પેટ એરિયાની અમલવારી બાદ ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડયું છે. ગત સાલ આજસુધીમાં વેરા વળતર યોજના અંતર્ગત ૧૩૨ કરોડ રૂપિયા જેવી તોતીંગ આવક થવા પામી હતી. આ વર્ષે માત્ર ૯૪ કરોડની આવક થવા પામી છે. ૩૧મી જુલાઈ બાદ ટેકસને લગતી વાંધાઅરજીઓ પણ સ્વિકારવામાં ન આવે તેવી શકયતા પણ હાલ જણાઈ રહી છે.
ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકાને આજસુધીમાં ટેકસ પેટે રૂ.૯૩.૯૬ કરોડની આવક થવા પામી છે. વર્ષ ૨૦૧૮-૨૦૧૯નો એડવાન્સ ટેકસ ભરતા કરદાતાને વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. જયારે મહિલા કરદાતાઓને વિશેષ ૫ ટકા સાથે ૧૫ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. ૧૦ ટકા વળતર યોજના આગામી ૩૧મી જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે. આજસુધીમાં ૧૯૫૬૨૪ કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરીમાં ૯૩.૯૬ કરોડ જમા કરાવ્યા છે. મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી બાદ ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડયું છે. ગત વર્ષે વેરા વળતર યોજના અંતર્ગત આજસુધીમાં કોર્પોરેશનને રૂ.૧૩૨ કરોડ જેવી માતબર આવક થવા પામી હતી. આ વર્ષે કાર્પેટની અમલવારી બાદ એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓની સંખ્યામાં કોઈ મોટો ઘટાડો નોંધાયો નથી છતાં આવકમાં ૩૮ કરોડ રૂપિયાનું તોતીંગ ગાબડુ પડયું છે. જોકે ટેકસ બ્રાંચના સુત્રોએ એવી પણ આશા વ્યકત કરી રહ્યા છે કે ૩૧મી માર્ચ સુધીમાં મહાપાલિકાને ટેકસપેટે ૨૫૦ કરોડ રૂપિયાની આવક થઈ જશે.
૩૧મી જુલાઈએ ૧૦ ટકા વેરા વળતર યોજના પૂર્ણ થયા બાદ ઓગસ્ટ માસમાં એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને પાંચ ટકા વળતર આપવામાં આવશે જયારે મહિલા કરદાતાઓને વિશેષ ૫ ટકા વળતર સાથે કુલ ૧૦ ટકા વળતર અપાશે. વેરા વળતર યોજના પૂર્ણ થયા બાદ ટેકસને લગતી વાંધા અરજીઓનો પણ સ્વિકાર કરવામાં આવશે નહીં.