વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ યોજનાનો 7800 બાકીદારોએ લાભ લીધો: વેરાની આવકનો આંક 320 કરોડે પહોંચ્યો
અબજો રૂપિયાનું બાકી લેણું છુટ્ટુ કરવા માટે કોર્પોરેશન દ્વારા ચડત વેરામાં હપ્તા સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેના રજીસ્ટ્રેશનની મુદ્ત આજે પૂરી થઇ રહી છે. આજ સુધીમાં 7,800 બાકીદારોએ આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવતા રૂ.10.22 કરોડની આવક થવા પામી છે. કુલ રૂ.102 કરોડનું લેણું આગામી પાંચ વર્ષમાં છૂટ્ટુ થશે. આજે મધરાત સુધી આ યોજનાના રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશેે. જેનો લાભ લેવા બાકીદારોને અપિલ કરવામાં આવી છે.
વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ યોજનાને ભલે ધાર્યો પ્રતિસાદ મળ્યો ન હોય પરંતુ પ્રમાણમાં આ યોજના એકંદરે સારી રહી છે. અત્યાર સુધીમાં 7,800 લોકોએ આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને બાકી વેરા પેટે 10 ટકા રકમ લેખે રૂ.10.22 કરોડ કોર્પોરેશનની તીજોરીમાં ઠાલવી દીધા છે. આજે નાણાકીય વર્ષના અંતિમ દિવસે મોડી રાત સુધી વેરો સ્વીકારવામાં આવશે.
ટેક્સ બ્રાન્ચ દ્વારા આજે 26 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 57 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા બપોર સુધીમાં 2.89 કરોડની રિક્વરી થવા પામી છે. ટેક્સ બ્રાન્ચને આપવામાં આવેલા 340 કરોડના લક્ષ્યાંક સામે આજ સુધીમાં 320 કરોડની આવક થવા પામી છે. જે અત્યાર સુધી કોર્પોરેશનના ઇતિહાસમાં સૌથી વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્રણેય ઝોનના સિટી સિવિક સેન્ટરમાં રાત્રે 8 વાગ્યા સુધી ટેક્સ સ્વીકારશે
ઓનલાઈન ટેક્સ પેમેન્ટ રાત્રિના 12 વાગ્યા સુધી ભરી શકશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે નાણાકીય વર્ષના છેલ્લા દિવસે ત્રણેય ઝોનના સિટી સિવિક સેન્ટર ખાતે સાંજના 8 વાગ્યા અને તમામ વોર્ડ ઓફિસ તથા અન્ય ત્રણ સિટી સિવિક સેન્ટર ખાતે સાંજના 6 વાગ્યા સુધી નાગરિકો માટે ટેક્સ ભરપાઈ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ઓનલાઈન ટેક્સ પેમેન્ટ રાત્રિના 12 વાગ્યા સુધી થઈ શકશે.