કોર્પોરેશનમાં કાલે બજેટ બોર્ડ, પાણી વેરામાં વધારાનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 11 કલાકે સ્વ.રમેશભાઇ છાયાં સભા ગૃહ ખાતે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં રૂ.39.97 કરોડના તોતીંગ કરબોજ સાથેનું વર્ષ-2023-2024ના રૂ.2637.80 કરોડના બજેટને બહાલી આપવામાં આવશે. પાણી વેરાના હયાત દરમાં 78 ટકાનો તોતીંગ વધારો ઝીંકવામાં આવ્યો હોય વિપક્ષ કોંગ્રેસ કરબોજના વિરોધમાં આક્રમક બને તેવી સંભાવના પણ જણાઇ રહી છે.
મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરેલા બજેટમાં રાજકોટવાસીઓ પર રૂ.101 કરોડનો તોતીંગ કરબોજ ઝીંકવાની દરખાસ્ત કરી હતી. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 39.97 કરોડના નવા કરબોજ સાથે રૂ.2637.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પાણી વેરામાં 78 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કોમર્શિયલ મિલકતો માટે મિલકત વેરાના હયાત દરમાં વધારો કરાયો છે અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ચાર્જ પણ બમણા કરી દેવામાં આવ્યા છે.
જ્યારે પર્યાવરણ વેરાના નામે નવો બોજો લાદવામાં આવ્યો છે. કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડબ્રેક એવો 40 કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો છે. જેને આવતીકાલે જનરલ બોર્ડની બેઠકમાં બહાલી આપવામાં આવશે. કાલે મળનારી બજેટ બેઠકમાં અલગ-અલગ 13 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના સને 2019-20, 2020-21 અને 2021-22ના આવક ખર્ચના વાર્ષિક હિસાબો તથા ડિજિટલાઇઝ્ડ ફોર્મમાં જાળવેલા આનુષંગિત રેકર્ડ/દસ્તાવેજો/વાઉચર્સ વગેરેને મંજૂરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ-95 મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2022-23નું રિવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ 2023-24નું અંદાજપત્ર મંજુર કરવા, નાણાકીય વર્ષ-2023-24 માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, કાર્પેટ એરિયા આધારિત વેરા-પધ્ધતિના નિયમોમાં ફેરફાર કરવા, આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે પાણી દર નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ-2023-24 માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ નિયત, આગામી નાણાકીય માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા, વાહન કર નિયત કરવા, થિયેટર ટેક્ષ નિયત કરવા, મિલકત વેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ મિલકતધારકો સમયાંતરે એડવાન્સમાં વેરો ભરવા પ્રોત્સાહિત થાય તે માટે ” ઝશળય ઈંક્ષતફિંહહળયક્ષિં જભવયળય” લાગુ કરવા, આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે મિલકત વેરામાં વળતર યોજના લાગુ કરવા, ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ-2023-24નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા નિર્ણય લેવાશે.