પરંપરાગત મુખવાસની સાથે ડ્રાયફુટવાળા મુખવાસની ડિમાન્ડ યથાવત: ભાવ વધારો થયો હોવા છતાં સારા પ્રમાણમાં ખરીદી
દિવાળીમાં જેટલું મહત્વ મીઠાઇ અને વિવિધ ફરસાણનું છે તેટલું જ મહત્વ નવા વર્ષે લોકોને
આવકારવા માટે મુખવાસનું પણ છે. નવા વર્ષે ઘરે આવતા મહેમાનોને સૌથી પહેલા
પ્રસાદ આપવાની એક ભારતીય પરંપરા છે. વર્ષો અગાઉ ટોપસ, સાકર, કાજુ વરીયાળી અને સોપારીનો ઉપયોગ કરવામાં આવતો પરંતુ હવે સમયની સાથે તેમાં બદલાવ આવ્યો છે. હાલ દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે જ શહેરની મુખ્ય બજારોમાં અવનવા વેરાયટી વાળા મુખવાસ મળતા થયા છે. ઉંચા ભાવે વેંચાતા મુખવાસની પણ લોકો હોશે હોશે ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે અલગ અલગ બનાવટ વાળા મુખવાસનું ચલણ વધુ થયું છે. ઉપરાંત ડ્રાઇફુટ મુખવાસની ડિમાન્ડ તો યથાવત જ છે. બીજી તરફ આયુર્વેદીક મુખવાસોનું પણ એટલું જ વેંચાણ થઇ રહ્યું છે. દુકાનદારોનું કહેવું છે કે ભાવવધારો થયો હોવા છતાં લોકો સારા પ્રમાણમા મુખવાસની ખરીદી કરી રહ્યા છે. કાશ્મીરી ડ્રાયફુટસ મુખવાસ, આદુ- આમળાનો મુખવાસ, પાન મુખવાસ, સોપારીનો મુખવાસ સહીતના મુખવાસોનું બજારોમાં ઘૂમ વેંચાણ થઇ રહ્યું છે.