૧૫માં સ્કિલ એવોર્ડ સેરેમની-૨૦૧૯ અંતર્ગત કુલ ૧૪૮ વ્યક્તિઓનું એવોર્ડથી સન્માન કરાયું
મહારાણા પ્રતાપ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર દ્વારા આયોજિત ૧૫મો સ્કીલ એવોર્ડ સેરેમની ૨૦૧૯ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ દિપ પ્રાગટ્ય વડે રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ ૧૫માં સ્કિલ એવોર્ડ સેરેમની-૨૦૧૯ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્ર સિવાયના તમામ ક્ષેત્રો જેવા કે રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા જાડેજા યુવરાજસિંહ નવુભા, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતમાં ભાગ લેનાર ખેલાડીઓ જેવા કે રાયફલ શુટિંગ ચેમ્પિયનશિપ વિજેતા ખુશાલીબા કનકસિંહ ગોહિલ, ૮૧ વર્ષની ઉંમર ધરાવતા અને હેમર થ્રો તથા ડિસ્ક થ્રો માં પારંગત રીબડાના જાડેજા રેવતુભા જીણુભા, સમગ્ર ભારત વતી ઈરાની ટ્રોફીમાં ભાગ લેનાર જાડેજા ધર્મેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ સહિત પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીની પરેડમાં ભાગ લેનાર એન.સી.સીના કેડેટ્સ, બ્રેવરી એવોર્ડ વિજેતા, વ્યાપાર ક્ષેત્રે શ્રેષ્ઠ પરફોર્મન્સ કરનાર વ્યક્તિઓ, તેમજ ખાનગી અને સરકારી નોકરીમાં કરેલા શ્રેષ્ઠ કામગીરી બદલ ક્ષત્રિય સમાજના ભાઈઓ-બહેનો એમ મળીને કુલ ૧૪૮ વ્યક્તિઓનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બાવન (૫૨) જેટલા વર્ગ-૨ ના અધિકારીઓ તથા તેર (૧૩) જેટલા વર્ગ- ૧ના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
૧૫માં સ્કિલ એવોર્ડ વિતરણ પ્રસંગેમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,આજની યુવા પેઢીની સ્કિલને ઓળખીને બહાર લાવવાનું કાર્ય સમાજના સહકારથી જ થઈ શકે છે. સ્કિલની ઓળખ થકી જ ભવિષ્યના સુશિક્ષિત સમાજના નિર્માણનું કાર્ય આસાન બનાવી શકાશે.હાલમાં સમાજ છેવાડાના માનવીને સાથે લઈને આગળ વધી રહ્યો છે. સમાજે ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા દરેક સમાજની સાથે ચાલવુ ખુબ જ જરૂરી છે.
આ તકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ નાયબ સચિવ અશોકસિંહજી પરમાર તથા જી.એન.એફ.સીના પૂર્વ ચેરમેન કિશોરસિંહ સોલંકીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા તથા સ્કિલ એવોર્ડ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે માંડવી-કચ્છના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાનું સમાજના ઉત્થાનમાં આપેલા યોગદાન બદલ તેમનું વિશેષ બહુમાન કરાયું હતું.
આ તકે અગ્રણી ગાયત્રીબા વાઘેલા,મહારાણા પ્રતાપ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવારના પ્રમુખ યોગરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, ભૂપેન્દ્ર સિંહ વાઘેલા, હરપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા સહિતના અનેક લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.