વિવાદ સે વિશ્ર્વાસ યોજનાનો લાભ લેવા કરદાતાઓને આવકવેરા વિભાગની અપીલ
નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧માં રાજ્યનો કુલ ટાર્ગેટ ૬૫ કરોડથી વધુ: કોર્પોરેટ ટેક્સ
રૂ. ૩૧૪૦૦ કરોડથી પણ વધુ જ્યારે ઇન્ડીવિઝયુઅલ ટેક્સ રૂ. ૩૩૮૦૦ કરોડથી વધુ
હાલ ભારત દેશની અર્થ વ્યવસ્થા અત્યંત ડામાડોળ જોવા મળી રહી છે. ત્યારે કોરોના પૂર્વે પણ દેશની અર્થ વ્યવસ્થાને ઘણી માઠી અસર પહોંચી હતી. પરંતુ દેશની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. ત્યારે નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો સીબીડીટી દ્વારા રાજ્યમાં રૂ. ૬૫૦૦૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેટ ટેકસ પેટે ૩૧ હજાર કરોડથી પણ વધુ જ્યારે ઈન્ડિવિઝયુઅલ ઈન્કમટેકસનો ટાર્ગેટ આશરે ૩૫૦૦૦ કરોડ ઉપરનો આપવામાં આવ્યો છે.
રાજકોટ રિઝીયનની જ્યારે વાત કરવામાં આવે તો સીસીઆઈટી એટલે કે, ચિફ કમિશનરેટ ઓફ ઈન્કમટેકસ રાજકોટનો ટાર્ગેટ ૩૦૯૦ કરોડનો આપવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેટનો ટેકસનો ટાર્ગેટ ૧૧ર૦ કરોડ જ્યારે આઈટી ટેકસ ૧૯૭૦ કરોડથી વધુનો આપવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પીસીઆઈટી-૧ રાજકોટનો ટાર્ગેટ ૧૩૦૫ કરોડ જેમાં કોર્પોરેટ ટેકસ ૬૭૫ કરોડ તથા પર્સનલ ઈન્કમટેકસનો ટાર્ગેટ ૬૩૧ કરોડનો આપવામાં આવ્યો છે. એવી જ રીતે સીબીડીટી દ્વારા પીસીઆઈટી-૩ માટે ટાર્ગેટ ૧૪૪૫ કરોડનો આપવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેટ ટેકસ ૩૩૯ કરોડ અને ઈન્ડિવિઝ્યુઅલ ટેકસ ૧૧૦૬ કરોડ આપવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
એવી જ રીતે પીસીઆઈટી જામનગરનો ટાર્ગેટ ૩૪૦ કરોડ રૂપિયાનો આપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં કોર્પોરેટ ટેકસ પેટે ૧૦૭ કરોડ અને ઈન્ડિવિઝ્યુઅલ ટેકસ પેટે ર૩૩ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ ર૦૧૮-૧૯માં રાજકોટ રેન્જનું કલેકશન ર૫૦૦ કરોડ રૂપિયાનું સામે આવ્યું હતું. જ્યારે વર્ષ ર૦૧૯-ર૦ માટે કલેકશન ર૧૯૦ કરોડ રૂપિયાનું રહેવા પામ્યું હતું. એવી જ રીતે રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા વર્ષ ર૦૧૮-૧૯ માટે રિફંડ પેટે ૮૫૦ કરોડ કરદાતાઓને આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એવી જ રીતે નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦નું રિફંડ ૧૦૩૦ કરોડ રહેવા પામ્યું છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માટે સીબીડીટી દ્વારા રાજકોટ રેન્જને રૂ. ૩ર૦૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેને ઘટાડી એટલે કે રિવાઈઝડ કરી રૂ. ર૯ર૮ કરોડે પહોંચવા પામ્યો હતો. આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા અને લોકોને અપીલ કરવામાં આવી છે કે, ૩૦ જુને જ્યારે વિવાદ સે વિશ્ર્વાસ સ્કીમ પુરી થાય છે તે પૂર્વે કરદાતાઓએ આ યોજનાનો અને સ્કીમનો મહત્તમ લાભ લેવો જોઈએ જેથી સરકાર અને દેશની અર્થ વ્યવસ્થામાં તે તેમનો યથા-યોગ્ય સહકાર આપી શકે.