જામનગર જિલ્લામાં ગત વર્ષે અપૂરતો વરસાદ થતાં મોટાભાગના જળાશયો શિયાળામાં તળિયા ઝાટક થઇ ગયા હતાં.આ સ્થિતિમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવા છતાં જામનગર જિલ્લામાં હજુ મેઘરાજા મનમૂકીને વરસ્યા નથી.જેના કારણે પાણીની મોકાણ પ્રર્વતી રહી છે.જેનું જીવંત ઉદાહરણ ગામડાઓ અને પરામાં ટેન્કર મારફત કરવામાં આવતું પાણી વિતરણ છે.કારણ કે,જાન્યુઆરી મહિનામાં જામનગર જિલ્લાના ફકત ૨ ગામ અને ૫ પરામાં ૧૦૦૦૦ લીટરનું એક એવા ટેન્કરના ૨૧ ફેરા એટલે કે ૨૧૦૦૦૦ લીટર પાણીનું વિતરણ કરવામાં આવતું હતું.પરંતુ ધીમે ધીમે જિલ્લાના મુખ્ય જળાશયો અને સ્થાનિક જળસ્ત્રોત ડૂકી જતાં ચોમેર પાણીનો પોકાર ઉઠયો છે.જેના કારણે પાંચ મહીનામાં એટલે કે જુલાઇ મહીનાની સ્થિતિએ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૨૨ ગામ અને ૬૩ પરામાં ટેન્કર મારફત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં ૧૦૦૦૦ લીટરનું એક એવા ટેન્કરના ૨૦૧.૫૦ ફેરા કરવામાં આવતા દરરોજ ૨૦૧૫૦૦૦ લીટર પાણીનું વિતરણ ગામડાઓ અને પરામાં થઇ રહ્યું છે.સ્થાનિક જળસ્ત્રોત ડૂકી જતાં નર્મદાના નીર એક માત્ર આધાર હોય નર્મદાની પાઇપલાઇનના હેડવર્કસમાંથી ટેન્કરમાં પાણી ભરી વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જામનગર જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૨૨ ગામ અને ૬૩ પરામાં ટેન્કર દ્રારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે પાણીનો એકમાત્ર સ્ત્રોત નર્મદાના નીર હોય મોરબી પાસે નર્મદાની લાઇનમાં ભંગાણથી જિલ્લામાં ટેન્કર દ્રારા થતા પાણી વિતરણમાં ૫૦ ટકાનો કાપ મૂકવાની ફરજ પડી હતી.જો કે આજી-૩ ડેમમાંથી પાણી મેળવી ટેન્કર દ્વારા વિતરણ ચાલુ રહ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.