અર્જુને જયાં માછલીની આંખ વીંધી દ્રોપદીનું સ્વયવર જીત્યું ત્યાં આજે પણ સગપણ પછી યુગલો રંગેચેગે મળે છે
તરણેતરના મેળાની ભાતીગળ પરંપરામાં પાંચાળ પંથકમાં માલધારીઓનો રંગ બતાવતા હુડો રાસ પ્રચલિત છે
ઉત્સવ પ્રિય ગુજરાત અને ગુજરાતીઓ દરેક અવસર મર્મ અને મજબુત લોકવાયકાના આધારે ઉજવે છે. ગુજરાતને અવસરની સાથે સાથે મેળાની ભૂમિ પણ માનવામાં આવે છે. અહીં ધાર્મીક અને સામાજીક માન્યતાઓ સાથે સાથે પૌરાણીક માન્યતાઓ સાથે મેળાઓની ઉજવણીની એક આગવી પરંપરા છે. હવે તો અકેય મહીનો નહીં હોય કે નાના મોટા મેળાવડા વગર રહેતા નથી. તેમાં પણ જન્માષ્ટમી, રામનવમી, દિવાળી બેસતા વર્ષના તહેવારો શિવરાત્રી, શરદ પૂનમ ના દિવસોમાં મેળે મેળે માનવી ભેગા થાય અને મેળા રચય જાય છે. ગુજરાતમાં આદી કાળથી ચાલીયા આવતા મેળામાં જુનાગઢના શિવરાત્રી પરીક્રમા,, માધવપુરનો મેળો અને તરણેતરનો મેળો ગુજરાતની
અસ્મીતા, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. તરણેતરના મેળાની તૈયારી તડામાર ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આ લોકમેળો ખુલ્લો મુકાશે.ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
મેળાની ભૂમિ ગુજરાતમાં માધવપુરનો લોકમેળો જુનાગઢનો શિવરાત્રી મેળો અને તરણેતરનો મેળો જીવનના ત્રણ પડાવો આપે છે સંદેશ
ત્રિનેત્રેશ્વર નામનું અપભ્રંશ થતાં ગામનું નામ તરણેતર થયું. પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વિપકલ્પ હતો. પાછળથી તે પાંચાળ તરીકે ઓળખાયો. સ્કંદપુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેઓને 1001 કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર 1000 કમળ થઈ ગયા અને છેલ્લું 1 કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારથી તે ત્રિનેત્રેશ્વર કહેવાયા.
બીજી એક દંતકથા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે આહ્વાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. તેની પાછળનો ઉદ્દેશ કદાચ તે હોઈ શકે કે આ વિસ્તારની ગરીબ પ્રજા કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં ગંગાજી શા માટે ન આવે? ગંગાજીના અવતરણને નિમિત્ત બનાવી માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા.
તરણેતર મંદિરનો ઇતિહાસ
તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ માંધાતા હતું અને આ તરણેતરનું મંદિર માંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે ત્રીનેત્રેશ્વર મહાદેવ મંદિરની પાસે જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
તરણેતરનું મંદિર દસમી સદીનું હોવાની શકયતા મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદિર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. 1902 ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદિરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે. આ મંદિરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદિર પાસે 100 વીઘા જેવી ખેતીની જમીન છે.મંદિરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલિંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદિરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદિરની કોતરણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદિરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદિરની બાંધણી ખુબ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલ છે.
પાંચાળ વિસ્તાર મજબૂત બાંધાના માણસોનો વિસ્તાર છે. તરણેતરના મેળામાં ગ્રામીણ રમતોને જીવંત કરવા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતે પહેલ કરી છે તેના પરિણામે તરણેતરના મેળામાં બહોળી સંખ્યામાં યુવાનો વિવિધ રમતોમાં ભાગ લે છે. તરણેતરના મેળામાં રાજ્ય સરકારે બીજું મહત્ત્વનું કાર્ય પશુ પ્રદર્શન સ્પર્ધા યોજવાનું કર્યું છે. વર્ષ 2008થી પશુ પ્રદર્શન સ્પર્ધામાં શ્રેષ્ઠ ગુણધર્મોવાળા પશુઓ તેના થકી મળતું ઉચ્ચ વળતર તથા તેમનું સારામાં સારી રીતે પાલન કઇ રીતે કરી શકાય તે બાબતોનું જ્ઞાન આપવામાં આવે છે.
આમ તરણેતરનો મેળો લોકજીવનને આનંદથી મઘમઘતું બનાવી નવી ચેતનાનો સંચાર કરે છે. રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે થતા અનેકવિધ પ્રયાસો થકી તરણેતરનો મેળો દેશના સીમાડાઓ વટાવીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મેળો બન્યો છે.
પાંચાળ ભૂમિમાં તરણેતરના મેળાનું વિશેષ મહત્વ
પાંચાળ ભૂમિની તળપદા કોળી જ્ઞાતિમાં તરણેતરના મેળાનું સૌથી વધુ મહત્ત્વ છે એટલે એક તરણેતરનો મેળો જાય, કે તરત જ બીજા મેળાની તૈયારી શરૂ થઈ જાય. બળદ માટેના શણગાર અને અમુક અમુક ગામના બળદગાડા વખણાતા. તરણેતરના મેળામાં રૂપાળા ભરત ભરેલ, મોતી, બટનીયાં, આભલાં અને ફૂમતા રૂમાલથી શણગારેલી છત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા હોય છે. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રોકાય છે.
તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય. ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે, યૌવન ખીલે અને રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે. ટીટોડો અને હૂંડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે. ત્યારબાદ ઋષિ પાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં ન્હાવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે.
તરણેતરનો મેળો એટલે યુવા પ્રેમીઓનું મીલન સ્થળ
તરણેતરના મેળાને યુવાન પ્રેમીઓનું મિલન સ્થળ પણ કહી શકાય. સગપણના નાતે જોડાયેલા યુવક-યુવતીઓ જો મેળામાં મળી જાય તો તેમના આનંદની સીમા ન રહે. તેના વિકલ્પરૂપે ત્યાં એક નાની બનેવી બજાર પણ ભરાય છે. અહીં બનેવીના પૈસાથી ખરીદી થતી હોવાની પ્રથાને કારણે બનેવી બજારનું નામ અપાયું છે