દરેક જિલ્લા માં જરૂરિયાત મુજબનું ખાતર ફાળવાયું છે, જો કોઈ મંડળી ઇનકાર કરે તો જાણ કરવા કૃષિમંત્રી રાઘવજી પટેલનું સુચન
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. આ મામલે વિવિધ ખેડૂત સંગઠનો ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે સ્પષ્ટતા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ખાતરની કોઈ અછત નથી. દરેક જિલ્લામાં જરૂરિયાત મુજબનું ખાતર ફાળવાયું છે, કોઈ મંડળી ઈન્કાર કરે તો મને જાણ કરો. કૃષિમંત્રી રાઘવજી પટેલના જણાવ્યા મુજબ જ્યાં સુધી યુરિયા ખાતરનો પ્રશ્ન છે ત્યાં સુધી કેન્દ્ર સરકારે રાજ્ય માટે પર્યાપ્ત જથ્થો મંજૂર કર્યો છે. તેમજ તબક્કાવાર આ જથ્થો રાજ્ય સરકારને મળી ચૂક્યો છે. જેને લઈને હાલમાં પણ યુરિયા માત્ર સૌરાષ્ટ્ર નહીં સમગ્ર ગુજરાતનાં તમામ જિલ્લામાં ઉપલબ્ધ છે. અછત હોવાની વાત સાવ ખોટી છે. જે કોઈ મંડળી ખાતર નહીં હોવાનું કહે તે અંગે મને જાણ કરજો. મંડળીઓ દ્વારા જેટલી માગ કરવામાં આવી તેટલો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે અથવા મોકલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર માટે પૂરતા પ્રમાણમાં યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. માટે ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નેનો યુરિયા એક નવી ક્રાંતિકારી શોધ છે. 1 લીટર નેનો યુરિયા 45 કિલોની 1 થેલી યુરિયા જેટલું કામ આપે છે. બંનેની કિંમત પણ સરખી છે. પરિણામ એ આવ્યું છે કે, કેન્દ્ર સરકારે જે થેલી દીઠ રૂ. 2 હજાર સબસીડી ખાતર ઉત્પાદક કંપનીઓને આપવી પડે છે. જેનો નેનો યુરિયામાં બચાવ થાય છે. થેલીમાં મળતા યુરિયા કરતા પણ નેનો યુરિયા ખૂબ સારું કામ આપે છે. પણ પ્રશ્ન એ છે કે નવી શોધ હોવાથી હજુ ખેડૂતો અચકાય છે. જેને લઈને ખેડૂતોને સમજણ આપવામાં આવી રહી છે. જેમ ખેડૂતોને અનુભવ થતો જશે તેમ નેનો યુરિયાનો વપરાશ વધતો જશે.