લ્યો કરો વાત, ‘પદ્માવતી’ની રીલીઝની વાત તો ઘણી દૂર છે, સેન્સરે ફિલ્મ પાસિંગ માટેની અરજી પણ પાછી ઠેલવી છે. ટૂંકમાં ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવો ઘાટ ઘડાયો છે. કેમ કે ૧લી ડિસેમ્બરે ફિલ્મ ‘પદ્માવતી’ના રીલીઝના ઠેકાણા નથી ત્યારે કરણી સેનાની રાષ્ટ્રીય પાંખે એ દિવસે ભારત બંધના એલાનની જાહેરાત કરી દીધી છે.
સેન્સર બોર્ડે હજુ ફિલ્મ જ જોઈ નથી. તેઓ ફિલ્મ જુએ પછી નિર્ણય લેશે. જરૂર હશે તો તેમાં કટ સૂચવશે. ફિલમમાં કાંઈ વાંધાજનક છે કે નહીં તે જોવાનું કામ સેન્સર બોર્ડનું છે પરંતુ એ પહેલા જ ફિલ્મને લઈને હોબાળો મચ્યો છે.
તાજેતરમાં હોબાળાનો વિરોધ કરનારી ફિલ્મની હીરોઈન દીપિકા પડુકોનનું નાક વાઢી લેવાની ધમકી કરણી સેનાએ ઉચ્ચારી છે. જોકે સલમાન ખાન, ફરહાન અખ્તર સહિતના આંગળીના વેઢે ગણાય તેવા ફિલ્મ સ્ટાર્સ ‘પદ્માવતી’ના સમર્થનમાં ઉતર્યા છે. સલમાને તો ત્યાં સુધી કહ્યું કે, સંજયલીલા ભણસાલીની ફિલ્મમાં કઈ વાંધાજનક હોતુ જ નથી. તેઓ ખૂબ સુંદર ફિલ્મો બનાવે છે. સુત્રોએ જણાવ્યું કે, સેન્સર બોર્ડ ફિલ્મ જોવા માટેના ‘વહેલો તે પહેલો’ના નિયમને અનુસરે છે એટલે પદ્માવતીને લાઈન તોડીને આગળ લવાશે નહીં અને તેને જોયા પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ જ ફિલ્મ રીલીઝ થઈ શકશે. શરૂઆતમાં નિર્માતાએ તારીખ ૧લી ડિસેમ્બરે ફિલ્મ રીલીઝ કરવાની ઔપચારિક જાહેરાત કરી દીધી હતી એટલે કરણી સેનાએ ભારત બંધનું એલાન આપ્યું છે. હવે ફિલમ જ રીલીઝ થવાના ઠેકાણા નથી ત્યારે આ મામલો કેવો ક વળાંક લે છે તે જોવાનું રહે છે.