તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે પુલિયાની મરામતની કામગીરી હાથ ધરાઈ
જામનગરમાં રણજીતસાગર રોડ પર તળાવની કેનાલ પર બનાવાયેલા પૂલિયા પાસે ગાબડું પડી જતાં આસપાસના વિસ્તારની નવ જેટલી સોસાયટી ના રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા હોવાનો અહેવાલ ’અબતક’ અખબાર ના માધ્યમથી પ્રસિદ્ધ થયો હતો, જેનો જબરો પડઘો પડ્યો છે, અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે, જેથી આસપાસની સોસાયટીના રહેવાસીઓ માટે રાહતના સમાચાર છે.
જામનગરમાં રણજીતસાગર રોડ પર અવધ હોન્ડા શોરૂમની સામેના ભાગમાં તળાવની કેનાલ પર પુલિયું બનાવાયું છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ગાબડું પડેલું હતું, અને સ્લેબ ધસી જવા નો ભય તોળાઈ રહ્યો હતો.
આ પૂલિયાને જોડતી નવ જેટલી સોસાયટીઓ જેમાં આશીર્વાદ એવન્યુ, આશીર્વાદ એવન્યુ-2, શ્રીજી નગર, મારુતિનંદન, સેટેલાઈટ સોસાયટી, પંચવટી સોસાયટી, મયુરબાગ, કે કે ઇન્ટરનેશનલ સ્કૂલ, તેમજ જ્ઞાનગંગા સ્કૂલ વગેરેમાં જવા માટે નો મુખ્ય માર્ગમાં ગાબડું પડી ગયું હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા પછી 48 કલાકના સમય ગાળામાં મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું છે, અને મરામત ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
એટલું જ માત્ર નહીં પાસેના વિસ્તારમાં પણ આવી જ પરિસ્થિતિ હોવાનું ધ્યાનમાં આવતાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા તે સ્થળે પણ યુદ્ધના ધોરણે મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, અને અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા પછી જુદા જુદા બે સ્થળોએ રીપેરીંગ કામ હાથ ધરી લઈ સ્થાનિક વિસ્તારના રહેવાસીઓનો પ્રશ્ન હલ થઈ રહ્યો છે.