અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડા સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા જૂનાગઢ જિલ્લા અને તાલુકા વહિવટી તંત્રના અધિકારીઓને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે, અને આગોતરૂ ઓયોજન કરવા આદેશ આપવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડા સંદર્ભે લાયઝન અધિકારીઓ તેમજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને દરિયાકાંઠાના ગામો તેમજ જે ગામો વિસ્તારને વાવાઝોડાની અસર થાય તેમ હોય તે આઇડન્ટીફાઇ કરવા સાથે તાલુકાની ટીમ બનાવી ગામ લોકોને ચેતવણીની જાણ કરવા જણાવાયું છે.
સ્થળાંતરનો પ્રશ્ન ઉદ્ભવે તો સલામત આશ્રયસ્થાનો નક્કી કરવા તેમજ તલાટીઓને હેડક્વાટર્સમાં હાજર રહેવા પણ આદેશ કરી દેવામાં આવ્યા છે.વાવાઝોડા દરમિયાન માછીમારો તથા અન્ય જહાજો દરિયામાં ન જાય તેની તકેદારી લેવા અને બંદરે સાવચેતીના સીગ્નલ માટે જરૂરી કાર્યવાહી કરવા પોર્ટ વિભાગને જણાવાયું છે.
સાથોસાથ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સુચના મુજબ જરૂરી સાવચેતી અને તકેદારીના પગલાં લેવા સબંધિત અધિકારીઓને અને તમામ વિભાગોને પણ જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.