સમાજની અમન-શાંતિને ડહોળનારાઓની હવે ખૈર નથી !!
અમદાવાદના જમાલપુરના એક જ પરિવારના પાંચ લોકોએ લોકોને ત્રાહિમામ કરી દીધા’તા: અંતે ગુજસીટોકનો ગુનો નોંધી સબક અપાયો
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર તેમજ એસટીની આસપાસ સામાન્ય લોકોનું જીવવું હરામ કરનાર ગુજસીટોકના આરોપી શરીફ ખાનની મિલકતને પોલીસે બુલડોઝર ફેરવી નાખ્યું છે, જેને કારણે સ્થાનિક લોકોમાં પોલીસ માટેનું વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.
જમાલપુર વિસ્તારમાં રહેતાં કેટલાંક સામાજિક તત્ત્વોએ પોતાની ખંડણી ઉઘરાવવાનો આખો ફેમિલી બિઝનેસ બનાવી દીધો હતો. આ સમગ્ર પ્રકરણમાં ઝોન ત્રણ ડીસીપી સુશીલ અગ્રવાલે તમામ સામે ગુજસીટોક ગુનો દાખલ કરીને તમામને જેલના સળિયા પાછળ ધકેલવા માટે કાર્યવાહી કરી હતી. હવે પોલીસે એક સ્ટેપ આગળ વધીને આ ગુનેગારોની મિલકત પર જ બુલડોઝર ફેરવી નાખી છે, જેને કારણે ગુનેગારોનાં આતંક ઘણા અંશે ઓછો થઈ રહ્યો છે.અમદાવાદના ગુનેગારો શરીફ ખાન અને તેના પરિવારના સભ્યો આ વિસ્તારમાં અનેક લોકો પાસે ખંડણી ઉઘરાવતા હતા.
કોઈ પોતાના ઘરની આસપાસ ક્ધસ્ટ્રક્શન કરે તો તેમને પણ ધમકી આપીને રૂપિયા પડાવવા હતા, જેને કારણે સંખ્યાબંધ લોકો પરેશાન હતા. આ દરમિયાન પોલીસની કાર્યવાહીના કારણે તમામ સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો છે. હવે કોર્પોરેશનની સાથે મળીને પોલીસે આ ગુનેગારોની મિલકતમાં બુલડોઝર ફેરવી દીધું છે. આજે સવારે કરેલી કામગીરીમાં ગુનેગારોની મિલકત પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે.
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના વચ્ચોવચ આવી ઘટનાઓ રોજ બને છે. ટપોરીઓનો આતંક એટલો છે કે હપતા ઉઘરાવવાનો ધંધો પારિવારિક બનાવી દીધો છે, જેને તેઓ હમઝા કે બાલમ ટેક્સનું નામ આપી દીધું છે. કોઈને પણ લારી-ગલ્લો ચલાવવા હોય તો તેમને હપતો ચૂકવવો જ પડે. જો કોઈને મકાનમાં એક ઈંટ પણ મૂકવી હોય કે પ્લાસ્ટર કરાવવું હોય તોપણ તેમણે રૂપિયા ચૂકવવા પડે. નહીં તો આ ગેંગના ટપોરીઓ ત્યાં આવીને તોડફોડ કરે. અત્યારસુધી ગેંગથી પીડાતા સેંકડો લોકો છે અને 37 જેટલી ફરિયાદ પણ થઈ છે. એક ઓર્ગેનાઈઝ કહેવાતા આ આખા રેકેટને અમદાવાદ શહેરના ડીસીપીએ પર્દાફાશ કર્યો છે.
વર્ષોથી પરેશાન લોકોને આ ગુનેગારોથી થોડીક રાહત મળે એ માટે તેમની સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરીને તેમને સબક શીખવવા પ્રયાસ શરૂ કરી દીધા છે.શહેરના કોટ વિસ્તારમાં આવેલા જમાલપુરમાં એક ગેંગે નાકે દમ લાવી દીધો હતો. આ ગેંગના સભ્યો એક જ પરિવારના 5 લોકો હતા અને અન્ય એક મળી 6 સભ્યની ટોળકી છે. આ ગેંગે 7 થી વધુ પ્રકારના અલગ અલગ ગુનાને અંજામ આપ્યો હતો, જેથી પોલીસે આરોપીઓ સામે ગાળિયો કસવા ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે. આ ગેંગમાં 3 સગાભાઈ અને તેમના બે પુત્રો સાથે એક શખસ મળી કુલ 6 આરોપી છે, જેમાં ગેંગનો મુખ્ય આરોપી બાલમખાન પઠાણ હતો, પરંતુ એકવાર જેલમાં ગયા બાદ ગેંગનો કારોબાર પુત્ર હમઝા પઠાણે સંભાળ્યો હતો. આ ગેંગમાં હમઝા ખાન હથિયાર રાખી કોઈની પર હુમલો કરતો, જે સહેજ પણ ખચકાતો નહીં. આમ, ગેંગમાં 40 જેટલા ગુનાઓ આચરી વિસ્તારમાં આતંક મચાવ્યો છે.