રાજકોટમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસીસ નામના રોગે ભરડો લીધો છે. કોરોના બાદ દર્દીઓને ઇન્ફેક્શનના લીધે મ્યુકરમાઈકોસીસની બીમારી આવી રહી છે. ખાનગી હોસ્પિટલમાં આ રોગની સારવાર માટે લાખોનો ખર્ચ થતા હોય છે.જેને ધ્યાને લઈને સરકારી સિવિલ હોસ્પિટલમાં હાલ 200 બેડની સુવિધા ઉભી કરાઈ છે. પરંતુ દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોય તંત્રએ વધુ 200 બેડની વ્યવસ્થા ગોઠવવાની તૈયારી આદરી દીધી છે. આ અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે હાલ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના 200 જેટલા દર્દીઓ માટે બેડ ગોઠવાયા છે. આજુબાજુના વિસ્તારોમાંથી પણ આ બીમારી ધરાવતા દર્દીઓ રાજકોટ સિવિલમાં દાખલ થતા હોય બેડની સંખ્યા 400 કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વીવાયઓ કેન્સર હોસ્પિટલમાં એક -એક ટનના ત્રણ ઓક્સિજન પ્લાન્ટ બનાવશે
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ( વીવાયઓ) સંસ્થા દ્વારા કોરોનામાં અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તેઓ દ્વારા કેન્સર હોસ્પિટલમાં એક- એક ટનના ત્રણ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા માહિતી જાહેર કરવામાં આવી હતી.