ભૂગર્ભમાં ઉતારી સફાઈ કરાવવી તે અમાનવીય કૃત્ય: મદ્રાસ હાઈકોર્ટ
ભારત દેશના બંધારણમાં દેશના તમામ નાગરિકોને રાષ્ટ્રની સંપતિ ગણવામાં આવે છે. રાષ્ટ્રની સંપતિને નુકશાન પહોંચાડવું તે એક ગુનાહિત પ્રવૃતિ છે. ઉદાહરણ સ્વરૂપે જો સમજવામાં આવે તો કોઈ વ્યક્તિ વાહન લઈને રસ્તા પર પડી જાય અને ત્યારબાદ તે પોતે જે આગળ ચાલવા માંડે અને આ ઘટના અંગે પોલીસ તંત્રને જાણ કરવામાં આવે તો પોલીસ તંત્ર તે વ્યક્તિ પર કાયદેસરના પગલા લઈ શકે છે. આ પ્રકારના મામલામાં નાગરિક તરીકે રાષ્ટ્રની સંપતિને નુકશાન પહોંચાડવાના ગુનામાં ભોગ બનનાર વ્યક્તિ જ આરોપીની ભૂમિકામાં આવી જાય છે. ત્યારે બીજીબાજુ તંત્રના વાંકે કોઈ વ્યક્તિનું મોત થાય અને આડકતરી રીતે પણ તેમાં તંત્રનો વાંક જણાય તો મોતનું જવાબદાર ફકત તંત્ર જ બને છે તેવું મદ્રાસ હાઈકોર્ટે તેના એક લેન્ડમાર્ક ચુકાદામાં નોંધ્યું છે.
એક મહત્વપૂર્ણ ચૂકાદામાં મંગળવારે મદ્રાસ હાઈકોર્ટે નોંધ્યું છે કે, મનપા અને પાલિકાના કામમાં રોકાયેલા કોઈપણ કર્મચારીનું મોત નિપજે અથવા તો એક અથવા બીજા કારણોસર અન્ય કોઈ વ્યક્તિનું મોત નિપજે તો તેવા મામલામાં મનપા અને પાલિકાના વડાને જ મોતના જવાબદાર ગણવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ સંજીબ બેનર્જી અને ન્યાયાધીશ સેન્થીલકુમાર રામામુર્તિની ખંડપીઠે મ્યુનિસિપલ એડમીનીસ્ટ્રેશન અને પાણી પુરવઠાના સચિવને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, મેન્યુઅલ સ્કેવેગિંગ પ્રથા બંધ કરવાની જરૂરીયાત છે. કોર્ટે નોંધ્યું હતું કે, ડ્રેનેજના કામમાં રોકાયેલા સફાઈ કામદારોના અનેકવાર ગુંગણામણથી મોત નિપજવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. આ પ્રકારના મોતની સંપૂર્ણ જવાબદાર પાલિકાના વડા રહેશે.
મદ્રાસ હાઈકોર્ટે સફાઈ કામદારો પાસે મેન્યુઅલ ભુગર્ભ અને ડ્રેનેજના કામો કરાવવાની પ્રથા બંધ કરવા માટે કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશોના સંદર્ભમાં લેવામાં આવેલા પગલાઓની સુચી આપવા માગ કરી છે. નોંધનીય છે કે, બુધવારે હાઈકોર્ટે પાલિકાઓ અને મહાનગરપાલિકા સહિતના તમામ જિલ્લામાંથી તાત્કાલીક માહિતી માંગી હતી જેમાં પાલિકા અને નિગમમાં હાથ ધરવામાં આવેલા મેન્યુઅલ સ્કેનીંગ કામને લગતી તમામ વિગતો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમ છતાં કોર્ટને રાજ્ય તરફથી કોઈ જવાબદાર મળ્યો ન હતો. રાજય દ્વારા જવાબ રજૂ કરાયો હતો કે આ પ્રકારની વિગતો એકત્રીત કરવાનો થોડો સમય લાગી શકે છે.
રાજ્યના જવાબ પર કોર્ટે ટીપ્પણી કરતા કહ્યું હતું કે, આ અરજી વર્ષ 2017 થી પેન્ડીંગ છે. આ બાબતમાં શંકાને સ્થાન નથી કે જ્યારે પણ આ પ્રકારનો મામલો સામે આવે છે ત્યારે કોર્ટ આવી અમાન્ય પ્રથા બંધ કરવાની બાબત પર ભાર મુકે છે જે એક ખાસ વર્ગના શોષણ સમાન છે. નોંધપાત્ર રીતે કોર્ટે અવલોકન કર્યું હતું કે, એક ચોક્કસ સમુદાય પાસે ભુગર્ભમાં પ્રવેશી જોખમી કામો કરાવવામાં આવે છે. ભુગર્ભમાં કાર્બોન મોનોકસાઈડ, હાઈડ્રોજન સલફાઈડ સહિતના ઝેરી ધુમાડા રહિત ગંદુ પાણી હોય છે જેને સાફ કરવા ભુગર્ભમાં ઉતરેલા વ્યક્તિનું અનેકવાર ગુંગળામણથી મોત નિપજતું હોય છે. જેથી આ પ્રકારના કૃત્યને અમાનવીય ગણી તાત્કાલીક ધોરણે બંધ કરવાની જરૂરી છે.
કોર્ટે રાજ્યો માટે એક આદેશ જાહેર કરતા કહ્યું છે કે, રાજ્યના તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને તાકીને સ્પષ્ટ કરવામાં આવે છે કે સંબંધીત પાલિકા અથવા નિગમના અધિકાર ક્ષેત્રમાં મૃત્યુ પામેલા કોઈપણ વ્યક્તિના મૃત્યુ પાછળ મનપાના કમિશનર અથવા પાલિકાના અધ્યક્ષ અથવા નિયંત્રણ અધિકારી જવાબદાર રહેશે. કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ જવાબદાર અધિકારી સામે તાત્કાલીક પગલા લઈ ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે ઉમેર્યું હતું કે, આ પ્રકારના મામલામાં મૃતકના પરિવારજનોને તાત્કાલીક ધોરણે વળતર પણ મળવું જરૂરી છે. જો વળતર આપવામાં વિલંબ થશે તો આ અંગે પણ કાર્યવાહી કરી શકાશે. આ ચુકાદો ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ઓફ ટ્રેડ યુનિયન દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં મદ્રાસ હાઈકોર્ટના ચિફ જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ એસ.વિશ્ર્વજીત શેટ્ટીની બેંચે આપ્યો હતો.
બંધારણની કલમ 21 કોઈપણ અમાનવીય કૃત્યની મંજૂરી આપતું નથી
કોર્ટે નોંધ્યું હતું કે, બંધારણ આ પ્રકારના કોઈપણ અમાનવીય કૃત્યને મંજૂરી આપતું નથી. મેન્યુઅલ સ્કેમીગ પ્રથાની મંજૂરી કોઈપણ ભોગે આપી શકાતી નથી. બંધારણની કલમ 21 હેઠળ નાગરિકોને અપાયેલા મુળભૂત અધિકારનું પાલન થવું જોઈએ અને સામે કોઈપણ વ્યક્તિના મુળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો પગલા પણ લેવા જોઈએ. બંધારણની પ્રસ્તાવના દર્શાવે છે કે, બંધારણ કોઈપણ વ્યક્તિના ગૌરવનું રક્ષણ કરે છે. બાબત બિલકુલ સ્પષ્ટ છે કે, મેન્યુઅલ સ્કેમીગનું કૃત્ય અમાનવીય છે અને બંધારણની કલમ 21ના ઉલ્લંઘન સમાન છે.
તંત્રના ‘ખાડા’ને કારણે સર્જાતા અકસ્માતમાં તંત્ર જ દોષિત સાબિત થશે!
જે રીતે મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તેને નાગરિકોના પરિપેક્ષમાં મુલવવામાં આવે તો દેશના લગભગ તમામ શહેરો અને ખાસ રાજકોટ અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા અવાર-નવાર રોડ રસ્તા પર ખાડાઓ ખોદી લાંબો સમય સુધી છોડી દેવામાં આવતા હોય છે. આ પ્રકારના ખાડાઓના કારણે અનેકવાર અકસ્માતના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે જો આ પ્રકારના કિસ્સામાં કોઈ વ્યક્તિનું મોત નિપજે તો તેનું જવાબદાર પણ તંત્ર રહેશે અને પાલિકાના પ્રમુખ સામે આ પ્રકારના કિસ્સામાં કાયદાકીય પગલા લઈ શકાય છે.