સ્થાનિક ધંધાર્થીઓએ રાઈડની હરાજીનો બહિષ્કાર કર્યા બાદ લોકમેળા સમિતિ દ્વારા ખાનગી મેળાના તેમજ બીજા રાજ્યના રાઈડ સંચાલકોનો સંપર્કોની શોધ
રાજકોટમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં રાઈડને લઈને કોકડું ગુંચવાયું છે. સ્થાનિક રાઈડના ધંધાર્થીઓએ હરાજીનો બહિષ્કાર કરતા હવે તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્રએ વૈકલ્પિક માર્ગ શોધવાની તૈયારીઓ હાથ ધરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં તંત્ર દ્વારા ખાનગી મેળાના અને બીજા રાજ્યના રાઈડ સંચાલકોના સંપર્ક શોધવાના પ્રયાસો શરૂ કર્યાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટના રેસકોર્ષના મેદાનમાં તા.5થી 9 સપ્ટેમ્બર દરમિયાન રસરંગ મેળો યોજાનાર છે. જેના માટે સિટી-1 પ્રાંત અધિકારી કે.જી ચૌધરીની અધ્યક્ષતામાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે યાંત્રિક રાઈડ માટેના 44 પ્લોટની હરાજી ગોઠવવામાં આવી હતી. રાઈડ સંચાલકોએ એન્ડ ટાઇમે વિવિધ માંગણીનું લિસ્ટ આપી હરાજીનો બહિષ્કાર કરી દીધો હતો. જેમાં તેઓએ રાઈડની ટિકિટના 40ની બદલે 50 કરી આપવામાં આવે. ઉપરાંત તેઓએ જણાવ્યું કે તા.10ના રોજ રવિવાર હોય રજાનો દિવસ હોવાથી મેળો એક દિવસ લંબાવીને 6 દિવસનો કરવામાં આવે. વધુમાં તેઓએ રાત્રીના 10ને બદલે 12 વાગ્યા સુધીનો સમય કરી આપવાની પણ માંગ ઉઠાવી છે. સાથે તેઓએ ડિપોઝીટ વહેલાસર પરત આપી દેવી અને પાથરણાવાળા નડતરરૂપ ન બને તેના માટે પગલાં લેવાની પણ માંગ કરી હતી.
આ મામલે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે અમુક માંગણી ગેરવ્યાજબી છે. છતાંય અમે રાઈડ સંચાલકો સાથે બેઠક યોજિશું. ઉપરાંત તેઓને સમજાવવાના પ્રયાસો હાથ ધરીશું.
બીજી તરફ એવી માહીતી પણ મળી રહી છે. તંત્ર દ્વારા ખાનગી મેળાના રાઈડ સંચાલકોના સંપર્ક શોધવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત સ્થાનીક 3થી 4 લોકો જ પ્લોટનું સંચાલન કરતા હોય, બાકી રાઈડ તો બીજા રાજ્યના ધંધાર્થીઓ જ ચલાવતા હોય છે. માટે બીજા રાજ્યના ધંધાર્થીઓના સંપર્ક શોધવાનું પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.