ગુજરાત સહિત 8 રાજ્યોની 100 મેડિકલ કોલેજોની માન્યતા રદ થવાની ભીતિ, અત્યાર સુધી 40ની માન્યતા રદ કરાઈ

સરકાર એક તરફ ભાર વગરના ભણતરની સાથોસાથ કૌશલ્ય વર્ધક શિક્ષણ આપવા માટે મહેનત કરી રહ્યું છે અને તે દિશામાં જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટેની તૈયારીઓ પણ હાથ ધરાય છે. હાલ એન્જિનિયરિંગની જેમ આરોગ્ય એટલે કે મેડિકલ ક્ષેત્રે જે મૃતપાઇ થઈ રહ્યું છે તેને બચાવવા તંત્ર હરકતમાં આવ્યું છે. એન્જિનિયરિંગની જેમ હવે તબીબી ક્ષેત્રમાં પણ હાલત કફોડી થઈ રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાંથી 40 જેટલી મેડિકલ કોલેજોની માન્યતા રદ કરી દેવામાં આવી છે જ્યારે હાલ 100 થી વધુ જેટલી મેડિકલ કોલેજોની માન્યતા થાય તેવી ભીતિ પણ સેવાઇ રહી છે.

કેન્દ્ર સરકારે દેશની 40 મેડિકલ કોલેજની માન્યતા રદ કરી દીધી છે. જ્યારે કે લગભગ 100 જેટલી મેડિકલ કોલેજ હજુ પણ રડાર પર છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે મેડિકલ કોલેજની માન્યતા રદ કરાઈ છે તેની તપાસમાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી હતી. નેશનલ મેડિકલ કમીશનના યુજી બોર્ડે આ મેડિકલ કોલેજોમાં તપાસ દરમિયાન ખામીઓ જોઈ હતી. જે બાદથી તેમની માન્યતા રદ કરવાનો નિર્ણય કરાયો છે.

અત્યાર સુધીમાં જે 40 મેડિકલ કોલેજની માન્યતા રદ થઈ છે તેમાં ગુજરાત, આસામ, પુડ્ડુચેરી, તમિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળની છે. હાલ અન્ય મેડિકલ કોલેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસ દરમિયાન આ કોલેજ પણ નિર્ધારીત માપદંડમાં યોગ્ય સાબિત નહીં થાય તો તેની પણ માન્યતા રદ કરવામાં આવી શકે છે.

નેશનલ મેડિકલ કમીશને આ કોલેજમાં કેમેરા, બાયોમેટ્રિક અટેન્ડન્સ, ફેકલ્ટી જેવી મહત્વની વસ્તુઓને લઈને ઉણપ જોઈ જેના કારણે આ પગલું ઉઠાવ્યું છે. આ કોલેજમાં છેલ્લા કેટલાંક મહિનાથી તપાસ કરાઈ હતી જેમાં આ ઉણપ જોવા મળી હતી. જો કે જે કોલેજની માન્યતા રદ થઈ છે તેમની પાસે અપીલ કરવાનો વિકલ્પ છે.જે કોલેજની માન્યતા રદ કરાઈ છે તે કોલેજ આગામી 30 દિવસની અંદર નેશનલ મેડિકલ કમીશનમાં પહેલી અપીલ કરી શકે છે. જ્યારે આ કોલેજ બીજી અપીલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ કરી શકે છે.

નેશનલ મેડિકલ કમીશન અને મંત્રાલયને કોલેજ દ્વારા મળેલી અપીલના બે મહિનાની અંદર નિવેડો લાવવાનો હોય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોલેજોમાં છેલ્લા એક મહિનાથી તપાસ ચાલી રહી હતી. આ પછી એનએમસી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજો ચલાવવા માટે નક્કી કરાયેલા ધોરણોનું આ કોલેજોમાં પાલન કરવામાં આવ્યું ન હતું.

આ કાર્યવાહી બાદ સવાલ ઉઠી રહ્યો છે કે જે કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે તેમાં ભણતા વિદ્યાર્થીઓનું શું થશે. હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે કોલેજો પાસે હજુ અપીલ કરવાનો વિકલ્પ છે. આવી સ્થિતિમાં જો આ નિર્ણય પાછો ખેંચવામાં આવશે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર નહીં થાય. પરંતુ જો માન્યતા રદ કરવાની વાત યથાવત રહેશે તો સરકાર વિદ્યાર્થીઓ માટે બીજો કોઈ રસ્તો કાઢશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.