જેતપુર, પડધરી, કસ્તુરબાધામ સરધારના આરોગ્ય કેન્દ્રો ખાતે મોકડ્રીલ યોજાઈ
રાજકોટ જિલ્લામાં કોરોના વાઈરસના સંભવિત સંક્રમણને કાબૂમાં કરવા વહીવટી તંત્ર સજ્જ બની કામગીરી કરી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પીટલ – જેતપુર, સામુહિક આરોગ્ય કેન્દ્ર – પડધરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કસ્તુરબાધામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરધાર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી.
કોવીડ-19ના વધતા કેસોને ધ્યાને લેતાં તકેદારીના પગલારૂપે સિવિલ હોસ્પીટલ, જેતપુર ખાતે રૂબરૂ મુલાકાત લઇ સિવિલ હોસ્પિટલના અધિક્ષક નિકિતાબેન પડીયા તથા તેમના મેડીકલ સ્ટાફની ઉપસ્થિતિમાં ઓકસીજન સપ્લાય તથા વેન્ટીલેટર મશીન, ઉપલબ્ધ બેડની સંખ્યા વગેરે આનુષંગીક બાબતો અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન 22 બેડ અને 4 વેન્ટીલેટર મશીન, ઓકસીજન સપ્લાય વગેરે જરૂરિયાત મુજબનું હોવા બાબતની સમીક્ષા કરાઈ હતી. આ તકે જેતપુર શહેર મામલતદારશ્રી કિશોરભાઈ અઘેરા તથા જેતપુર ગ્રામ્ય મામલતદાર ડી. એ. ગીનીયા ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં, સામુહિક આરોગ્ય કેન્દ્ર – પડધરી ખાતે મોકડ્રીલ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન કરાયેલી ચકાસણી મુજબ અહીં 1 પી.એસ.એ. પ્લાન્ટ તથા ઓકસીન સેંન્ટ્ર્લ પાઇપલાઇન કાર્યરત છે. તેમજ કોવીડ-19ના ઈલાજને લગતા સાધનો જેવા કે કુલ 20 બેડ, 4 ડી ટાઇપ સીલીન્ડર, 10 ઓકસીઝન કોન્સન્ટ્રેટર, નેબ્યુલાઇઝર, પ્લસ ઓક્સીમીટર, ઓક્સીઝન સીલીન્ડર, પી.પી.ઈ. કીટ, માસ્ક તથા દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલ્બધ છે.