વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ જ નથી, હજુ રાહ જોવી પડશે

વર્ષનો વરતારો બાર આનીથી નીચો જશે, મધ્યમ વરસાદની આગાહી

આવ રે વરસાદ….ઢેબરીયો વરસાદ…. ચોમાસુ બેસતા પહેલા જ જાણે વરસાદની સિસ્ટમ વિખેરાય ગઇ હોય તેવું લાગી રહ્યું છે. જો કે હાલમાં તો જુલાઇ મહિના પહેલા વરસાદ આવે તેવી શક્યતા ખૂબ જ નહિવત થઇ ગઇ છે. કેરળમાં ચોમાસું સમય કરતા વહેલું બેસી ગયું હતું અને આગળ વધી રહ્યું હતું ત્યારે ચોમાસુ બેસી ગયા બાદ તેની આગળ વધવાની ઝડપ ઘટી છે. આ જ કારણે રાજ્યમાં ચોમાસાનું આગમન મોડું થઈ શકે છે. હાલ વરસાદ લાવે તેવી કોઇ મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન માટે પણ રાહ જોવી પડી શકે છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદના આગમન બાદ 15 થી 18 દિવસમાં ચોમાસાનું આગમન થતું હોય છે. આ વર્ષે કેરળમાં 29મી મેના રોજ વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે.

ગુજરાતમાં 15 જૂન બાદ વરસાદ પડવાની શરૂઆત થાય તેવો અંદાજ હવામાન વિભાગ લગાવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી ધીમી થઇ છે. તેથી વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. ખેડૂતોએ ચોમાસાના આગમનની રાહ જોવી પડી શકે છે. કેરળમાં સમય કરતા ચોમાસાની વહેલી એન્ટ્રી બાદ સિસ્ટમ મંદ પડી છે. આ જ કારણે ચોમાસું મુંબઈ સુધી પણ પહોંચ્યું નથી. બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બફારો વધી રહ્યો છે. રાજ્યમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગરમ પવન ફૂંકાવાની સાથે ભેજ પણ આવે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. જોકે, આઠમી જૂનથી 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે. સુરત, નવસારી, વલસાડ તેમજ ભાવનગર અને અમરેલીમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને સામાન્ય વરસાદ પણ થવાની શકયતા છે. જોકે, હજુ વરસાદ લાવે તેવી કોઇ સારી સિસ્ટમ સક્રિય થઇ નથી, જેથી ચોમાસા માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગનું કહેવું છે કે, રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ ગુજરાતમાં આઠ જૂનના થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે. જેના કારણે સામાન્ય વરસાદની શકયતા રાજ્યના દક્ષિણ ભાગોમાં છે.

હિટવેવમાં સતત વધારો, વરસાદના વિલંબનું કારણ

પાકિસ્તાન તરફથી ફૂંકાતા સુક્કા અને ગરમ પશ્ર્ચિમી પવનોને કારણે ઉત્તર પશ્ર્ચિમ સહિત કેટલાક રાજ્યોમાં હજુ આગામી 10 થી 15 દિવસ લૂ ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તરપ્રદેશ, ઓડિસ્સા, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં ગરમીની લહેરની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરાય છે. દિલ્હીમાં પણ આ વર્ષે ગરમીએ 11 વર્ષનો હિટવેટનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતમાં પણ આ વર્ષે ભારે ગરમી પડી રહી છે ત્યારે ચોમાસા માટે હજુ વધારે રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે.

પાણીની અછત સર્જાશે

ચાલુ વર્ષે વરસાદ આવે એ પહેલા જ હજુ કોઇ વરસાદની સિસ્ટમ નજરે આવી નથી. જૂનના મધ્યમાં ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થતી હોય છે. જ્યારે આ વર્ષે તો જુલાઇ મહિના પહેલા વરસાદની કોઇ શક્યતા નથી. તેને કારણે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં પાણીની અછત પણ અત્યારથી જ સર્જાય છે. પાણીકાપ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હજુ જો વરસાદ ખેંચાશે તો પાણી માટે લોકોએ વલખા મારવા પડશે.

ટેકાના ભાવમાં વધારો વર્ષ નબળું રહેશે તો શું થશે?

સરકારે 2022-23ના પાક વર્ષ માટે ડાંગરના ટેકાના લઘુત્તમ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.100 વધારીને 2040 કર્યા છે. ખેડૂતો ડાંગરનું વધુ વાવેતર કરે અને તેમની આવકમાં વધારો થાય તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે. પરંતુ જો ચોમાસુ નબળું રહેશે તો જગના તાતને ભારે મુશ્કેલી વેઠવી પડશે. આ ઉપરાંત સરકાર ખરીફ સિઝનના 14 પાકના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ.92 થી 523 સુધીનો વધારો કર્યો છે. તલના ટેકાના ભાવમાં સૌથી વધુ ક્વિન્ટલ દીઠ રૂ.523નો વધારો કર્યો છે. જ્યારે મકાઇના ટેકાના ભાવમાં સૌથી ઓછો ક્વિન્ટલ રૂ.92નો વધારો કર્યો છે.

જગતાત ચિંતિત

ચોમાસુ સમયસર ન આવે તો ખેડૂતોને સમયસર પાકની વાવણી કરવા માટે અન્ય સાધનો પર આધાર રાખવો પડે છે. જેના કારણે તેમણે વધુ સમય ફાળવવો પડે છે તેમજ દરેક વસ્તુ માટે વધુ ખર્ચ કરવો પડે છે. જે તેમના અને તેમની આર્થિક સ્થિતિ બંને માટે હાનિકારક છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ વર્ષે હજુ કોઇ વરસાદની સિસ્ટમ દેખાતી નથી. જુલાઇ માસના પ્રારંભે વરસાદ આવે તેવી શક્યતા છે. જેને લઇ જગનો તાત ચિંતિત બન્યો છે.

વરસાદ આવતા-આવતા જુલાઇનું બીજું અઠવાડીયું આંબી જશે

ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસુ સમયસર બેસે તેવી કોઇ શક્યતા દેખાતી નથી ત્યારે ચોમાસુ બેસે તે પહેલા જાણે વરસાદની સિસ્ટમ વિખેરાય ગઇ હોય તેવું લાગી રહ્યું છે. વર્ષના એંધાણ નબળા છે, વરસાદ સમયસર નહીં આવે તો મોંઘવારી પણ વધશે અને ફૂગાવાઓ પણ વધશે. ચાલુ વર્ષે વરસાદ આવતા-આવતા જુલાઇનું બીજું અઠવાડીયું આંબી જાય તેવી પૂરી શક્યતા છે.

2023માં ફુગાવો 6.7 ટકા રહેવાનું અનુમાન: ચોમાસા ઉપર અર્થતંત્ર નિર્ભર

કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાના અંદાજને વધારીને 6.7 ટકા કર્યો છે તેમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે એપ્રિલમાં આરબીઆઈએ 2022-23 માટે રિટેલ ફુગાવો 5.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જે વધારવામાં આવ્યો છે.રિઝર્વ બેંકે રિટેલ ફુગાવો 4 ટકા પર રાખવાનો નિર્દેશ કર્યો છે અને બંને બાજુ 2 ટકાના વધઘટ સાથે. જોકે રિટેલ ફુગાવો સળંગ છેલ્લા ચાર મહિનાથી 6 ટકાથી ઉપર છે અને એપ્રિલમાં વધીને 7.8 ટકા સુધી પહોંચ્યો છે હાલ તેમાં રાહતની સંભાવના નથી.દાસે જણાવ્યું હતું કે યુદ્ધ સતત લંબાતું હોવાથી નવા પડકારો ઊભા થયા છે. તે હાલની સપ્લાય ચેઇન વિક્ષેપો પર ભાર મૂકે છે જેના પરિણામે સમગ્ર વિશ્વમાં ફુડ,એનર્જી અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. વિશ્વભરના દેશો ફુગાવાને દાયકાના ઉચ્ચ સ્તરે અને સતત માંગ-પુરવઠાના અસંતુલનનો સામનો કરી રહ્યા છે. યુદ્ધને કારણે ફુગાવાનું વૈશ્વિકરણ થયું છે. ફુગાવાના દબાણ વ્યાપક-આધારિત બની ગયા છે અને મોટાભાગે પ્રતિકૂળ પુરવઠાના આંચકાઓ દ્વારા સંચાલિત રહે છે.તેમણે વેચાણ કિંમતોમાં ઇનપુટ ખર્ચના વધતા સંકેતો તરફ ધ્યાન દોર્યું. છઇઈં ગવર્નરની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિ એ નોંધ્યું કે 2022-23ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં ફુગાવો 6 ટકાના ઉપર રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ફુગાવો વધાવોએ સરકાર માટે અગ્નિપરીક્ષા છે. વધુમાં ચોમાસુ પણ અર્થતંત્રને અસર કરવાનું છે. જો સારું રહેશે તો અર્થતંત્રને રાહત મળશે તે નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.