રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવારના યજમાન પદે અને રાજકોટ શહેરના સર્વ જ્ઞાતિ સમાજના લાભાર્થે રાજકોટની પુણ્યશાળી ભૂમિ રેસકોસ ગ્રાઉન્ડ અયોધ્યા નગરી ખાતે 24 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 3:30 થી સાંજના 07:30 સુધી અનોખી ભાગવત કે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે કથા ના પ્રથમ દિને વ્યાસપીઠેથી સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ભાગવતમાં રામાયણનું દર્શન કરાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, વિશાળ કથા મંડપમાં શ્રોતાઓની અકડેઠઠ હાજરી હતી.
સાંસદ રામભાઈ પરિવારના યજમાન પદે ‘ભાગવત કે રામ’ કથાના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી
આજે વિખ્યાત સાંઈરામ દવે, જગદીશ ત્રિવેદીનો હસાયરો
કથા પ્રારંભ પૂર્વે મનોરથિ રામભાઈ મોકરીયા એ આ કથા ના આયોજન બાબતે વક્તવ્ય આપતા કહ્યું કે આ કથા સર્વ માનવીઓના કલ્યાણ અને સેવા માટે છે આ કથામાં પંચનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી દેવાંગભાઈ માંકડના સહયોગની નોંધ લઈને કહ્યું કે, પંચનાથ મંદિર હોસ્પિટલના સેવા કાર્યો પ્રસંસનીય છે, હજારો ગરીબ દર્દીઓ, મૂંગા પશુઓની વિનામૂલ્યે સારવાર કરે છે, આવી સેવાભાવી સંસ્થાઓને દાન આપવા મોકરીયાએ અપીલ કરી હતી.
ભાગવત કથામાં મંગલા ચરણમાં પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે, આ અનોખી કથા ધર્મ સંદેશની આસ્થા ચેનલ પર લાખો લોકો શ્રવણ કરી રહ્યા છે, રાજકોટની અયોધ્યા નગરીમાં યોજાયેલ કથામાં ભાગવત અને રામાયણ ભેગા થાય છે, આપેલ સૌ ભાવથી ભેગા થઈને સત્સંગ કરીએ, ભાઈશ્રીએ અયોધ્યાના અદભુત રામ મંદિરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, સેકડો વર્ષોના સંઘર્ષ, અનેકના બલિદાન પછી અદભુત રામનું મંદિર નિર્મિત થયું છે, જેમાં 22 જાન્યુઆરીએ રામલલ્લા બિરાજમાન થશે ત્યારે રાજકોટની ભાગવત કથા ના પ્રાંગણમાં રામલલાની પધરામણી ને ધામધૂમ પૂર્વક વધાવીશું.
પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, ભાગવતમાં રામ ક્યાંથી આવ્યા? તેનો ઉત્તર આપતા તેમણે શ્રોતાઓને સમજ આપી કે, વેદવ્યાસજી લેખિત-રચિત ભાગવતના 9 મા સ્કંધમાં 10 અને 11 અધ્યાય ભગવાન શ્રીરામના વનવાસ થી શરૂ થતું રામચરિત રામાયણ છે.
કાલે પ્રથમ દિવસે કથા પ્રવાહ દરમ્યાન વ્યસાસનેથી પ્રબોધેલ કેટલાક, પ્રેરક વિધાનો અત્રે રજૂ કર્યા છે, વેદવ્યાસે રામની બે અધ્યાયની કથા જનસધારણ સમજી શકે એવી લોક ભાષામાં રજૂ કરી છે, વિદેશોમાં રામાયણનું મહત્વ છે. ભારતમાં ગાંધીજીના રામના માર્ગે, સત્યના માર્ગે કરેલા સત્યાગ્રહો સફળ થયા, રામનામમાં ઊંડાણ છે, રામનું નામ સહસ્ત્ર નામ બરાબર છે, આપણે દવા વિશ્વાસથી પીએ છીએ તેમ રામનું નામ વિશ્વાસથી લેવું, રામનું નામ બ્રહ્મસમાન છે, વાલ્મિકીના રામ ભગવાનના રૂપમાં છે અને તુલસીદાસના રામ માનવ રૂપમાં છે, આપણા દેશમાં ત્યાગ નો મહિમા છે, રામનો ત્યાગ માનવ સમાજ માટે આદર્શ છે.
રામભાઈ મોકરીયા રમેશભાઈ ઓઝાની ભાગવત કથા દરમિયાન સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. દિવસે હરિનામ સ્મરણ અને શ્રવણ થાય તો સાંજે આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે એવા હાસ્યના, સંગીત અને સાહિત્યના કાર્યક્રમો પણ કથાના સ્થળે જ યોજાશે. ભાગવત કથાની સાથે સૌરાષ્ટ્રના લોકોને સાત્વિક મનોરંજન મળી રહે એ માટે કથા આયોજન સમિતિએ આ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. કાર્યક્રમમાં પણ હાસ્ય,સંગીત,લોકસંગીત બધી કલાઓ આવરી લેવાઈ છે.
આજે રાત્રે ધર્મોત્સવની સાથે જ મનોરંજન અને સંસ્કૃતિક વિરાસત માણી શકાય એ માટે મૂળ ગોંડલ શહેરના શિક્ષક અને હાસ્યના આંતરરાષ્ટ્રીય વિખ્યાત કલાકાર એવા સાંઈરામ દવેનો હસાયરો આયોજિત કરવામાં આવ્યો છે. 2005 ના રોજ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએતેમના પ્રથમ કાવ્યસંગ્રહ ’સાંઈરામના હસતા અક્ષર’ નું રાજકોટ ખાતે વિમોચન કર્યું હતું અને આ પુસ્તકની બીજી આવૃત્તિનું 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે વિમોચન કર્યું હતું એવા સાઈરામ રાજકોટની મોજીલી જનતાને પોતાની રમુજી શૈલી માં આનંદ કરાવશે અને હાસ્યનો ધોધ વહેવડાવશે. ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ અને વલ્ર્ડસ અમેઝિંગ ટેલેન્ટ પુરસ્કાર સન્માનિત એવા સાઈરામ દવે ને સંભાળવાનો લહાવો આજે રાજકોટની જનતાને મળશે
આ સિવાય વિશ્વપ્રસિદ્ધ હાસ્યકલાકાર એવા જગદીશભાઈ ત્રિવેદી કે જેઓએ પોતાના જીવન દરમિયાન 11 કરોડ નું અનુદાન કરવાનો નિશ્ચય કર્યો છે અને તેમાંથી લગભગ 9 કરોડ જેટલું અનુદાન તેઓ કરી ચુક્યા છે. પોતાના પ્રત્યેક હાસ્યના કાર્યક્રમ માં મળતી ફંડ ની રકમ તેઓ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન માં વાપરે છે. નરેન્દ્ર મોદી એ પણ એમના આ સેવાભાવ ની નોંધ લીધેલ હતી અને મન કી બાત કાર્યક્રમ માં તે અંગે ચર્ચા કરેલ હતી. આવા વિખ્યાત હાસ્ય કલાકાર ને સાંભળવા એ એક લહાવો છે જે આજે રાજકોટની હાસ્યપ્રેમી જનતાને મળવાનો છે.
દેશ વિદેશમાં પ્રખ્યાત અને ગુજરાતને આગવી ઓળખ આપનાર ગાયક કલાકાર એવા વિમલભાઈ મહેતા પણ સાથોસાથ રાજકોટની જનતાને સંગીતના તાલે જુલાવશે અને પોતાના સુર-સ્વર નો લાભ રાજકોટની જનતા ને આપશે. જાણીતા સંગીતકાર અને ગુજરાત ગૌરવ એવા વિમલ મહેતા આ કાર્યક્રમને પોતાના સંગીત કૌશલ્યથી સુર થી મઢશે અને રંગીલી રાતને વધુ સુરીલી બનાવશે.