ભાજપ જીતશે કે હારશે આવતીકાલે સાંજે ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રાજ્યપાલ સમક્ષ વિધાનસભાના વિસર્જનની દરખાસ્ત કરશે: કમૂરતા પહેલા નવી સરકાર રચાઇ જશે
15મી ગુજરાત વિધાનસભાની રચના કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 182 બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું હતું. આવતીકાલે ગુરૂવારે સવારે 8 કલાકથી તમામ 182 બેઠકો માટે મત ગણતરી હાથ ધરવામાં આવશે. બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે કે ગુજરાતમાં કોની સરકાર બની રહી છે. પરિણામ કોઇપણ આવે ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે સાંજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સમક્ષ 14મી વિધાનસભાનું વિસર્જન કરવા માટેની દરખાસ્ત કરશે. દરમિયાન આગામી મંગળવારના રોજ ગુજરાતમાં નવી સરકાર સત્તારૂઢ થઇ જશે.
સામાન્ય રીતે વણલખી પરંપરા મુજબ મતગણતરીના દિવસે પરિણામ જે કંઇ આવે રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું આપી દેતા હોય છે અને વિધાનસભાના વિસર્જન માટેની દરખાસ્ત કરતા હોય છે. આવતીકાલે સવારે 8 કલાકથી રાજ્યની તમામ 182 બેઠકો માટે એક સાથે મતગણતરી હાથ ધરવામાં આવશે. તમામ બેઠકોનું પરિણામ જાહેર થતા-થતા સાંજ પડી જશે. પરંતુ બપોરે 12 થી 1 વાગ્યા વચ્ચે એ વાત સ્પષ્ટ થઇ જશે કે ગુજરાતની ગાદી પર કોણ સત્તારૂઢ થશે.
બન્ને તબક્કાના મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સીઓ અને ન્યૂઝ ચેનલો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સરકાર બની રહી છે. ભાજપ પૂર્ણ બહુમતી સાથે ફરી ગુજરાતમાં સત્તારૂઢ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આવતીકાલે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ગમે તે આવે ભૂપેન્દ્રભાઇ પટેલ સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે સાથોસાથ 14મી વિધાનસભાના વિસર્જન માટેની પણ ભલામણ કરશે. વિધાનસભાની મુદ્ત 18મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે. આવતીકાલે પરિણામ જાહેર થયા બાદ મુખ્યમંત્રીની ભલામણનો રાજ્યપાલ દ્વારા સ્વિકાર કરી લેવામાં આવશે. સાથોસાથ તેઓને નવી સરકાર ન રચાય ત્યાં સુધી રખેવાળ સરકાર તરીકે કામ કરવા માટેની વિનંતી કરશે. આ ઉપરાંત રાજ્યમાં સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવેલા પક્ષને સરકાર રચવા માટેનું આમંત્રણ આપવામાં આવશે.
જો ભાજપને બહુમતી મળશે તો શુક્રવારે તમામ ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક કમલમ ખાતે મળશે. જેમાં ધારાસભ્ય દળના નેતાને ચૂંટી કાઢવામાં આવશે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ડિસેમ્બર માસમાં કમૂરતામાં શપથ ગ્રહણ કરતા હોય છે પરંતુ આ વખતે એવું બનશે કે કમૂરતા પહેલા નવી સરકાર સત્તારૂઢ થઇ જશે. નવી સરકારની શપથવિધી મંગળવારના રોજ રાજભવન કે મહાત્મા મંદિર ખાતે યોજાઇ તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
જો ભાજપ જીતશે તો ગુજરાતના મુખ્યમંત્રી પદે ફરી એકવાર ભૂપેન્દ્રભાઇ પટેલ સત્તારૂઢ થશે. કોંગ્રેસે સીએમનો ચહેરો જાહેર કર્યા નથી. જો કોંગ્રેસને બહુમતી મળશે તો ધારાસભ્યોની બેઠકમાં દળના નેતાને ચૂંટી કાઢવામાં આવશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇશુદાનભાઇ ગઢવી ગુજરાતના મુખ્યપ્રધાન બનશે. પરિણામ જાહેર થતાની સાથે જ આવતીકાલે સાંજે 14મી વિધાનસભાનું વિસર્જન કરવા માટેની ભલામણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવશે.
જો ગુજરાતમાં ભાજપને બહુમતી મળશે તો નવી સરકારની શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ઉપરાંત ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય સંગઠનના હોદ્ેદારો ખાસ ઉપસ્થિત રહેશે.
- “કમલમ્” જીતના જશ્નની તૈયારીઓ
- મીઠાઇઓ-ફૂલહારના મોટાપાયે ઓર્ડર આપી દેવાયા: ડી.જે. અને રાસ મંડળીઓ પણ રેડી, માત્ર પરિણામની વાટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી હોવાનું તમામ એક્ઝિટ અને ઓપિનિયન પોલ કહી રહ્યાં છે. રાજ્યમાં સતત સાતમીવાર રેકોર્ડ બ્રેક લીડ સાથે કમળ ખીલી રહ્યું હોય તેવા સ્પષ્ટ આસાર મળી રહ્યાં છે. પ્રદેશ કાર્યાલય “કમલમ્” ખાતે ભાજપની જીતની ઉજવણીની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેટલીક તૈયારીઓ તો પૂર્ણ થઇ જવા પામી છે. મોટા પાયે મીઠાઇનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ફૂલહાર પણ બૂક કરાવી દેવામાં આવ્યા છે. કાર્યાલયને શણગારવામાં આવી રહ્યું છે. ડી.જે. અને રાસ મંડળીઓને પણ રેડી રાખવામાં આવી છે. બીજી તરફ પરિણામ જાહેર થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની જાહેરસભાનું પણ આયોજન ગોઠવાઇ રહ્યું છે. વિજેતા બનનારા ભાજપના ઉમેદવારોને આવતીકાલે ગાંધીનગર પહોંચી જવા પણ આડકતરી તાકીદ કરી દેવામાં આવી છે. ભાજપ બધી રિતે તૈયાર છે. માત્ર પરિણામની રાહ છે.