- અગાઉ જાતીય સતામણી અને હત્યાનો પ્રયાસ કરનાર કોન્સ્ટેબલે ફરી લખણ ઝળકાવ્યા
- મહિલા કોન્સ્ટેબલને પોતાની કારમાં બેસાડી ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં લઈ જઈ ફડાકા ઝીંક્યા: ધારિયું બતાવી યુવતી અને તેના ભાઈને જાનથી મારી નાખવા દીધી ધમકી
શહેર પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી યુવતીને અગાઉ થયેલી માથાકૂટમાં કોર્ટમાં જુવાન ન આપવા બાબતે સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલે ફરી લખણ ઝળકાવ્યા છે. મહિલા કોન્સ્ટેબલને ચૌધરી ગ્રાઉન્ડમાં બોલાવી પોતાની કારમાં બેસાડી સસ્પેન્ડ કોન્સ્ટેબલે ફડાકા ઝીંકી તેને અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરી એકવાર પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મહિલા કોન્સ્ટેબલ પર અગાઉ નવ માસ પહેલા મહિલા કોન્સ્ટેબલ પર જાન લેવા હુમલો કરનાર અને જાતીય સતામણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ રૈસાદ બસિર સીંજાતે ફરી એકવાર લખણ ઝળકાવ્યા છે. જે તે સમયે રૈસાદે મહિલા કોન્સ્ટેબલને ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે પોલીસે મહિલા કોન્સ્ટેબલની ફરિયાદ પરથી કોન્સ્ટેબલ રૈસાદ સીંજાત સામે જાતીય સતામણી અને હત્યાની પ્રયાસનો ગુનો નોંધી ફરજ પરથી મોકૂફ કરી દિધો હતો.
તે દરમિયાન મહિલા કોન્સ્ટેબલ ગઇ કાલે આર વર્લ્ડ સિનેમા પાસે હતી ત્યારે આરોપી સસ્પેન્ડ રૈસાદ ત્યાં આવી ચડયો હતો અને તેને યુવતીને મારી પાછળ આવ નહિતર માથાકૂટ કરીશ તેવી ધમકી આપી મહિલા કોન્સ્ટેબલને ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે બોલાવી હતી. જ્યાં આરોપી રૈસાદે મહિલા કોન્સ્ટેબલને પોતાની કારમાં બેસાડી કોર્ટમાં અગાઉ થયેલી જાતીય સતામણી અને હત્યાના પ્રયાસના કેસમાં જુબાની ન આપવા બાબતે ધમકાવી ફડાકા ઝીંકયા હતા. એટલે થી પેટ ન ભરાતાં સસ્પેન્ડ કોન્સ્ટેબલ રૈસાદે પોતાની કારમાં રહેલા ધારિયા વડે તેને અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ભાવનગર અને રાજકોટમાં પણ પહેલેથી જ વિવાદોથી ઘેરાયેલા રૈસાદ સિંજાત ફરી એકવાર પોલીસ ચોપડે ચડયો છે. મહિલા કોન્સ્ટેબલે આ અંગે પ્ર નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સસ્પેન્ડ કોન્સ્ટેબલ રૈસાદ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.