એડ એજન્સીઓની સલાહ લેવાશે: પ્રથમવાર હોર્ડિંગ બોર્ડની આવકનો લક્ષ્યાંક પૂર્ણ થવાની સંભાવના

જકાત નાબુદી બાદ મહાપાલિકાની પોતીકી કહી શકાય તેવી એક માત્ર આવક ટેકસની બચી છે. હોર્ડિંગ્સ બોર્ડ દ્વારા મહાપાલિકાને વર્ષે સામાન્ય આવક થઈ રહી છે. આવકના નવા સ્ત્રોત ઉભા કરવા અને આવક વધારવા માટે એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં નવી ૫૦ હોર્ડિંગ્સ સાઈટ શોધવા માટે ટુંક સમયમાં સર્વે હાથ ધરવામાં આવશે. આ માટે ખાનગી એડ એજન્સીઓની સલાહ પણ લેવામાં આવશે.

ચાલુ નાણાકીય વર્ષમાં એસ્ટેટ શાખાને હોર્ડિંગ્સ બોર્ડથી થનારી આવક માટે રૂ.૬ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. શહેરમાં ૧૭૦ હોર્ડિંગ્સ બોર્ડ, ૧૦ ગ્રેન્ટ્રી બોર્ડ અને ૩ હજાર જેટલા કિયોસ્ક આવેલા છે. આજ સુધીમાં હોર્ડિંગ બોર્ડ પેટે કોર્પોરેશને રૂ.૪.૭૫ કરોડથી વધુ આવક થવા પામી છે. પ્રથમ વખત એસ્ટેટ શાખા આ વર્ષે હોર્ડિગ્સ બોર્ડની આવકનો ટાર્ગેટ સિદ્ધ કરે તેવું લાગી રહ્યું છે. લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે હવે સવા કરોડથી પણ ઓછી રકમ બાકી રહી છે. બે માસથી વધુનો સમય હાથમાં છે. આગામી નાણાકીય વર્ષમાં હોર્ડિંગ બોર્ડથી થનારી આવકમાં વધારો થાય તે માટે એસ્ટેટ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૫૦ નવી હોર્ડિંગ સાઈટ શોધવા માટે નવેસરથી સર્વે હાથ ધરવામાં આવશે. આ માટે એડ એજન્સીઓની સલાહ પણ લેવાશે. કારણકે એડ એજન્સીઓને માફક આવે તેવી જગ્યાએ હોર્ડિંગ સાઈટ ઉભી કરવામાં આવે તો મનપાને ધારી આવક પણ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.