આંચકો
ઓપરેશન માટે આવેલા દર્દીઓને કલોરોફોર્મ સુંઘાડીને બેભાન કરવાની જવાબદારી સુહાસીનીને સોંપવામાં આવી હતી. એ ફરજ પ્રત્યે હંમેશા સાવધ અને નિયમિત હતી. એનો સ્વભાવ અને રૂપ આખીયે હોસ્પિટલમાં અદ્વિતીય હતાં.
એક બપો૨ે ચીફ સર્જને સુહાસીનીને કલોરોફોર્મ લઇને ઓપરેશન થિએટરમાં બોલાવી. બારણાં બંધ થયાં અને કારમી ચીસ નાખીને સુહાસીની પડી ગઈ. ચીફ સર્જને તરત જ શિલિંગફેનની ગતિ વધારી પણ ત્યાં જ છેલ્લા શ્વાસ ખેંચતો દર્દી બેઠા થવાનો પ્રયત્ન કરતાં બોલ્યો.
‘“સાહેબ, વ્યસનના કાદવમાં ગળા સુધી ખૂંચી ગયેલા મને બહાર કાઢવાની ખૂબ ખૂબ કોશિષ કરનાર પત્નીને મેં ઢોર માર મારી ને કાયમને માટે જાકારો દીધો અને કયારેય મોઢું ન બતાવવાની પ્રતિજ્ઞા લઇ એ ચાલી નીકળી… આજે કેટલાંય વરસો વીતી ગયાં તોય મને ઓળખી ગઇ લાગે છે. એને જલદી સ્વસ્થ કરો સાહેબ, મારે એની માફી માગવી છે…’’
આટલું કહેતાં એના ઉપર ખાંસીનો હુમલો આવ્યો,
‘“એકસકયુઝ મી.” કહી, ચીફ સર્જન બારણાને આંચકો મારીને બહાર નીકળી ગયા ને થોડીવાર પછી કોફી રંગની ત્રણ ચાર ગોળી ગળી ગયા
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર