રાજકોટની જીવાદોરી એવા આજી-1 ડેમમાં પણ નવું 0.16 ફૂટ પાણી આવતા ડેમની સપાટી 27.80 ફૂટે આંબી
છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે જળાશયોમાં માતબર પાણીની આવક થઈ રહી છે. રાજકોટ, જૂનાગઢ અને જામનગરના જિલ્લાના મોટાભાગના જળાશયો ઓવરફલો થઈ ગયા છે. જ્યારે અન્ય જિલ્લાના જળાશયોમાં પણ પાણીની ધીંગી આવક થવા પામી છે. સૌરાષ્ટ્રનો દરિયો મનાતા એવા ભાદર ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવું 1.64 ફૂટ પાણી આવ્યું છે. ભાદરની સપાટી 31 ફૂટે પહોંચી જવા પામી છે. હવે ઓવરફલો થવામાં માત્ર 3 ફૂટ જ બાકી છે. વરસાદે વિરામ ચોકસ લીધો છે પરંતુ છલકાતા નદી-નાળાના કારણે પાણીની આવક ધીમી ધારે ચાલુ હોવાના કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાકમાં ભાદરમાં 1.64 ફૂટ નવું પાણી આવ્યું છે. 34 ફૂટની ઉંડાઈ ધરાવતા ભાદરની સપાટી 31એ પહોંચી જવા પામી છે. 6640 એમસીએફટીની સંગ્રહ શક્તિ ધરાવતા ભાદરમાં હાલ 5245 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ડેમ ઓવરફલો થવામાં હવે માત્ર 3 ફૂટ બાકી છે. રાજકોટની જીવાદોરી એવા આજી-1માં પણ નવું 0.16 ફૂટ પાણી આવતા ડેમની સપાટી 27.80 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો થવામાં માત્ર 1.20 ફૂટ બાકી છે. 933 એમસીએફટીની સંગ્રહ શક્તિ સામે હાલ ડેમમાં 858 એમસીએફટી પાણી સંગ્રહિત છે.
જિલ્લાના મોજ, ફોફળ, વેણુ-2, આજી-2, આજી-3, સોળવદર, વાછપરી, વેરી, ન્યારી-1, ન્યારી-2, મોતીસર, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી-1, છાપરવાડી-2 અને ભાદર-2 સહિતના જળાશયો ઓવરફલો થઈ ચૂક્યા છે. સુરવોમાં 2.62 ફૂટ પાણીની આવક થવા પામી છે. ગોંડલીમાં 0.82 ફૂટ, ઈશ્ર્વરીયામાં 1.64 ફૂટ, કરમાળમાં 5.91 ફૂટ અને કર્ણુકીમાં 0.66 ફૂટ પાણીની આવક થવા પામી છે.
આ ઉપરાંત મચ્છુ-1માં 0.46 ફૂટ, મચ્છુ-2માં 0.49 ફૂટ, ડેમીમાં 0.33 ફૂટ, ડેમી-2માં 0.98 ફૂટ, જામનગર જિલ્લાના ડાઈમીણસરમાં 7.55 ફૂટ, રૂપાવટીમાં 5.77 ફૂટ પાણીની આવક થવા પામી છે. જ્યારે જિલ્લાના સસોઈ, પન્ના, ફૂલઝર-1, સપડા, ફૂલઝર-2, ફોફળ, ઉંડ-3, આજી-4, ઉંડ-1, કંકાવટી, ઉંડ-2, વાણીસંગ, ફૂલઝર ફોબા, રૂપારેલ, ઉમિયા સાગર અને સસોઈ-2 ડેમ અગાઉ ઓવરફલો થઈ ચૂક્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 2.46 ફૂટ, ગઢકીમાં 1.97 ફૂટ, સેઢા ભાડથરીમાં 1.31 ફૂટ, વેરાળી-1માં 15.98 ફૂટ, વેરાળી-2માં 7.22 જ્યારે મીણસારમાં 9.19 ફૂટ પાણીની આવક થવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ડેમમાં 0.30 ફૂટ પાણી આવ્યું છે.