દેશભરમાં 1 જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. જેને લઈ દેશમાં ઘણા અલગ-અલગ પ્રકારના પ્રત્યાઘાત જોવા મળ્યા છે. કોઇકે તેનો વિરોધ કર્યો છે, તો કેટલાકે તેનું સ્વાગત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જીએસટીથી દેશને કયા લાભ થશે તેની વાત લોકોને કહી રહ્યા છે. લોકોએ પણ ધીરે ધીરે આ વાત શીખવા-સમજવાની શરૂઆત કરી છે, પરંતુ સુરતના એક પરિવારે કંઇક અનોખી રીતે જ જીએસટીનું સમર્થન કર્યું છે. આવનારી પેઢીને પણ યાદ રહી જાય તેવું કામ એ પરિવારે કર્યું છે. નોંધનીય છે કે, જીએસટી લાગુ થયો ત્યારે સુરતના કાપડના વેપારીઓએ મોટા પાયે વિરોધ કર્યો હતો, તો હવે બીજી તરફ સુરતના જ પરિવાર દ્વારા જીએસટીને સમર્થન મળ્યું છે.
સુરતમાં રહેતા એક પરિવારને જીએસટી એટલી હદે પસંદ આવ્યું છે કે, તેમણે તેમની નવજાત બાળકીઓના નામ જીએસટી પરથી રાખ્યા છે. કંચન પટેલ નામની એક મહિલાએ તેની ત્રણેય બાળકીઓના નામ જીએસટી પરથી રાખ્યા છે, જેમાં જી પરથી ગારાવી, એસ પરથી સાંચી અને ટી પરથી તારાવી રાખ્યું છે. કંચનબહેને પોતાની બાળકીઓના આવા નામ રાખવા પાછળનું કારણ જણાવતાં કહ્યું કે, વડાપ્રધાન મોદી દેશ માટે જીએસટી જેવી વ્યવસ્થા લાવ્યા તેનાથી હું ખુબ જ પ્રભાવિત થઈ છું અને આ ઘટનાને યાદગાર બનાવવા મેં આ નામ રાખ્યા છે. આ પહેલા રાજસ્થાનમાં 30 જુન અને છત્તીસગઢમાં 1 જુલાઈએ જન્મેલી બાળકીઓના નામ પણ તેમના માતા-પિતાએ જીએસટી પરથી જ રાખ્યા હતા, જે પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા