કાયદા મંત્રાલયે ચાર નવા ન્યાયાધીશોની નિમણુકને મંજુરી આપતા સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ૩૪એ પહોંચશે
દેશની ન્યાયપ્રણાલી વધુ કાર્યક્ષમ બનાવવા અને મુકદમાઓનાં ઝડપથી ઉકેલ લાવી શકે તે માટે પુરતા ન્યાયમુર્તિઓની નિમણુકનો પ્રશ્ર્ન લાંબા સમયથી મુશ્કેલીઓ પુરવાર થઈ રહી છે ત્યારે દેશની વડી અદાલતમાં ચાર નવા ન્યાયમુર્તિઓની નિમણુક થતા સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૩૪ ન્યાયધીશોની જગ્યાઓ ભરાઈ ચુકી છે. કાયદા મંત્રાલયે પ્રસિઘ્ધ કરેલા જાહેરનામા અનુસાર ન્યાયમૂર્તિ ક્રિષ્ણા મુરારી, એસ.આર.ભટ્ટ, વિરામ સુબ્રમણ્યમ અને ઋષિકેશ રોયને સુપ્રીમનાં ન્યાયમૂર્તિ તરીકે નિમાયા છે. સુપ્રીમ કોર્ટનાં કોલેજીયમ દ્વારા તેમનાં નામો ગયા મહિને સરકારમાં પ્રસ્તાવિત કરાયા હતા.
ન્યાયમૂર્તિ વી રામ સુબ્રમણ્યમ અને ક્રિષ્ણમુર્તી અનુક્રમે હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનાં ન્યાયમૂર્તિ તરીકે સેવા આપતા હતા. ન્યાયમૂર્તિ એ.એસ.રવિન્દ્ર ભટ્ટ અને ઋષિકેશ રોય રાજસ્થાન અને કેરલ હાઈકોર્ટનાં ન્યાયમૂર્તિ હતા. કોર્ટમાં મુકદમાઓનાં ખડકલાઓનાં પગલે સરકારે સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત ન્યાયમૂર્તિઓની સંખ્યા ૩૧ માંથી ૩૪ કરવાનો નિર્ણય કર્યો હતો. આજની તારીખે એપેક્ષ કોર્ટમાં ન્યાયધીશોની સંખ્યા ૩૦ છે. એક વખત નવા જજોનાં શપથ બાદ આ સંખ્યા અત્યારસુધીની સૌથી વધુ ૩૪એ પહોંચશે. મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. જવાબમાં કાયદા મંત્રાલયે રાજયસભામાં પુછાયેલા પ્રશ્ર્નમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં ૫૯૩૩૧ કેસો પેન્ડીંગ છે. આ માટે વધુ ન્યાયધીશોની જરૂર છે. ત્રણ દાયકા પહેલા સુપ્રીમ કોર્ટનાં ન્યાયધીશોની સંખ્યા ૧૮ માંથી ૨૬ કરવામાં આવી હતી અને ૨૦૧૮માં ૩૧ કરવામાં આવી હતી. રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ન્યાયધીશોની સંખ્યા વધારવાની જરૂર છે.
દેશમાં ન્યાયતંત્રને ઝડપી અને પારદર્શક બનાવવા માટે ન્યાયધીશોની સંખ્યા વધારવા માટે કોલેજીયમ અને સરકાર વચ્ચે સંકલન જરૂરી બન્યું છે. ૧૯૫૬માં સુપ્રીમ કોર્ટને મુખ્ય ન્યાયમૂર્તિ સહિત ૧૦ ન્યાયધીશો ફાળવવામાં આવ્યા હતા. આ સંખ્યા ૧૯૬૦નાં અધિનિયમ અનવયે ૧૯૭૭માં ૧૭ કરવામાં આવી હતી. ૧૯૭૯માં ન્યાયમૂર્તિની સંખ્યાની મર્યાદાઓ દુર કરવાનો સરકારે સ્વિકાર કર્યો હતો અને ૧૯૮૬માં સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત ૨૫ જગ્યાઓ પૂર્તિ કરવામાં આવી હતી. ૨૦૦૯માં ફરીથી તેમાં સુધારો કરીને ન્યાયમૂર્તિની સંખ્યા ૨૫ માંથી ૩૦ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં વધારાના ચાર ન્યાયધીશની નિમણુકથી દેશનાં ન્યાયતંત્રનાં ઈતિહાસમાં સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયધીશ સહિત ન્યાયાધીશોની સંખ્યા ૩૪ પર પહોંચી છે.