વ્યાભિચાર સબંધીત ગુના પહેલી નજરમાં સમાનતા આધિકારોનું ઉલ્લઘન,કલમ ૪૯૭નું પ્રાવધાન મનઘડત: સુપ્રીમ કોર્ટે 

ભારતીય દંડ સંહિતાની ૧૫૮ વર્ષ જૂની કલમ ૪૯૭ કલમ નાબૂદ કરવા તરફ સુપ્રીમ કોર્ટ પ્રયાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિત (આઈપીસી)માં વ્યભિચારમાં પ્રાવધાનને રદ્દ કરવાની માંગ કરતી અરજી અંગે સુનાવણી કરી હતી.

૧૫૮ વર્ષ જૂની ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૭ એવું કહે છે કે, જો કોઈ એવી મહિલા, જે કોઈ અન્ય પુરૂષની પત્ની છે અને તે પોતાના પતિની સહમતી કે ઉપેક્ષા વગર અન્ય પુરૂષ સાથે શારીરિક સબંધ બનાવે છે તો તે બળાત્કારની શ્રેણીમાં નથી આવતું. તે વ્યભિચારના ગુનાનો દોષીત ઠરશે અને તેને પાંચ વર્ષ સુધીની કારાવાસની સજા થઈ શકે છે. આ કેસમાં વડી અદાલતે લગ્નની પવિત્ર અવધારણાનો સ્વીકાર કર્યો પરંતુ  સાથો સાથ ટકોર કરી કે, વ્યભિચાર સબંધીત ગુનાઓ પહેલી નજરમાં સમાન્યતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે આ કલમને મનઘડત ગણાવતા કહ્યું કે, પતિની સંમતિ વગર મહિલા બીજા વિવાહિત વ્યક્તિ સાથે શારીરિક સબંધ બનાવે તો તે વ્યભિચાર નથી.

મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાના નેતૃત્વવાળી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ હાલ કલમ ૪૯૭ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીની સુનાવણી કરી રહી હતી. આ સંવિધાન પીઠમાં ન્યાયમૂર્તિ આર.એફ.નરીમાન, એ.એમ.ખાનવીલકર અને ઈન્દુ મલ્હોત્રાનો સમાવેશ થયો છે. ખંડપીઠે નોંધ્યું કે આ કલમ આર્ટીકલ ૨૧નો પણ ભંગ કરી રહી છે.

ગઈકાલે સુનાવણી દરમિયાન વડી અદાલતે વ્યભિચારને અપરાધ ગણાવતી આઈપીસીની કલમ ૪૯૭ને નાબૂદ કરવાનો સંકેત આપ્યો છે. આ કેસમાં અરજકર્તા શાઈના જોશેફે દાવો કયો હતો કે, આઈપીસીની આ કલમ ભેદભાવી ભરેલી અને ગેરબંધારણીય છે. આ કલમમાં માત્ર પુરૂષોને જ સજા થાય છે. આ અપરાધમાં બન્નેની સહમતી હોય છે. જયારે મહિલાને કોઈપણ જાતની સજા થતી નથી.

આ સુનાવણીમાં વડી અદાલતની ખંડપીઠે કહ્યું કે, આ કલમ મહિલાઓ માટે પણ ભેદભાવપૂર્ણ દેખાઈ રહી છે. આ કલમ હેઠળ મહિલાને દોષીત માનવામાં આવતી નથી. પરંતુ બીજી તરફ મહિલાને પત્નીની સંપતિના રૂપમાં જોવામાં આવે છે. જસ્ટીસ નરીમાને કહ્યું કે, સબંધોમાં પતિની સહમતીની જરૂરત મહિલાઓને પતિની સંપતિ માનવા જેવી છે. આ કલમ એકતરફી છે. મહિલાઓને પતિની સંપતિ માનીને આ કલમ મહિલાઓને પ્રતિષ્ઠાનું પણ ઉલ્લંઘન કરે છે.

ચિફ જસ્ટીસ દિપક મિશ્રાએ આ મામલે કહ્યું કે, આ ખૂબજ જૂની કલમ છે. આ કલમને મહિલાઓના પક્ષમાં ભલે માનવામાં આવે પરંતુ ખરેખર આ મહિલા વિરોધી છે. કારણ કે, કલમ હેઠળ મહિલાઓને પતિની સંપતિ માનવામાં આવી છે. આ કોન્સેપ્ટ કયાં મળ્યો જેમાં એક મહિલાને અન્ય પરિણીત પુરૂષ સાથે શારીરિક સબંધ બાંધવા માટે પોતાના પતિની સહમતીની જરૂર હોય ? અમેરિકામાં અપાયેલા એક ચુકાદાનો હવાલો દેતા તેમણે ઉમેર્યું કે, કલમ ૪૯૭ પુરૂષો અને મહિલાઓની યૌન સ્વતંત્ર્તા ઉપર પ્રતિબંધ મુકે છે. અલબત ન્યાયાધીશે ચેતવણી આપતા કહ્યું હતું કે, જો અમે ૪૯૭ને અસંવિધાનીક જાહેર કરીએ તો આ વ્યવસ પૂર્ણ થઈ જશે. આપણી સંસ્કૃતિ અમેરિકા કરતા અલગ છે.

પૂર્વ જસ્ટીસ વાય.વી.ચંદ્રચુડના ચુકાદાને ફેરવિચારમાં લેતા ન્યાયાધીશ પૂત્ર

સમય સાથે વિચારો પણ બદલાતા હોવાના પુરાવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો આપી રહ્યાં છે. કલમ ૪૯૭ મામલે વાય.વી.ચંદ્રચુડે એક સમયે આપેલા ચુકાદાને ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ ફેરવિચારણામાં લઈ રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. વર્ષ ૧૯૮૫ ની તા.૨૭ મેના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વાય.વી.ચંદ્રચુડ અને ન્યાયાધીશ આર.એસ.પાઠક તા એ.એન.સેનની ખંડપીઠે કલમ ૪૯૭ને પડકારતી અરજીને ફગાવી હતી. આ અરજીમાં કલમ હેઠળ થી અને પુરૂષ બંન્નેને સમાન ગુનેગાર ગણવા દલીલ થઈ હતી. ત્યારબાદ હાલ આ મામલો ફરી સુપ્રીમમાં પહોંચ્યો છે. અરજકર્તા અલગ છે, જો કે આ વખતે ખંડપીઠમાં વાય.વી.ચંદ્રચુડના પુત્ર ડી.વાય.ચંદ્રચુડ સામેલ છે. તેમણે આ કલમને હટાવવાના સંકેતો આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.