વોટસએપ દ્વારા ભારતમાં ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુક શા માટે નહીં ? સુપ્રીમે માંગ્યો જવાબ
વોટ્સએપ ભારતના કાયદાને સ્વીકારતું નથી?
તાજેતરમાં ફેક ન્યુઝ ફેલાતા ભારતભરમાં ટોળાની હિંસા જાગી હતી. ઘણા લોકો તેનો ભોગ બન્યા હતા. હિંસા જગાવતા આવા ફેક ન્યુઝને રોકવા સરકારે તત્કાલિન પગલા ભરી વોટસએપને સુચનો કર્યા હતા અને ભારતમાં ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુક માટે જણાવાયું હતું.
પરંતુ વોટસએપે ભારત સરકારની આ માંગણીને ફગાવી દીધી હતી તેથી વોટસએપ ભારતના કાયદાને સ્વિકારતું નથી તેવા પણ સવાલો ઉભા થયા છે. જવાબદારીમાંથી છટકતા કંપની વોટસએપને કેન્દ્ર સરકાર બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ નોટીસ ફટકારી જવાબ આપવા આદેશ કર્યો છે.
વોટસએપની સાથે સુપ્રીમે આઈટી અને નાણા મંત્રાલયને પણ નોટીસ પાઠવી છે. ન્યાયાધીશ આર.એફ.નરીમાન અને ઈંદુ મલ્હોત્રાની બેંચે સુનાવણી દરમિયાન એ વાત સાથે સહમતી દાખવી છે કે વોટસએપ ભારતીય કાયદાનું પાલન કરી રહ્યું નથી અને કંપની ફેક ન્યુઝને રોકવા ભારતીય એજન્સીઓ સાથે ડિલ કરી રહી નથી.
જણાવી દઈએ કે, એક એનજીઓ સેન્ટર ફોર એકાઉટેબીલીટી એન્ડ સિસ્મેટીક ચેન્જ દ્વારા સુપ્રીમમાં વોટસએપ વિરુઘ્ધ અરજી કરવામાં આવી હતી. અરજદારે અરજીમાં માંગ કરી છે કે, વોટસએપ કંપની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તમામ નિયમોનું પાલન ના કરે તો પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવાની વોટસએપની તૈયારીને મંજુરી આપવામાં ના આવે.
આ અનુસંધાને વકીલ વિરણ ગુપ્તાએ કહ્યું કે, વોટસએપ એક વિદેશી કંપની છે અને ભારતમાં ફરિયાદ નિવારણ અધિકારી કે સર્વર પણ ધરાવતી નથી અને પેમેન્ટ સર્વિસ શરૂ કરવા જઈ રહી છે જે યોગ્ય નથી. વોટસએપ માટે ફરિયાદ અધિકારીની વરણી કરવી જરૂરી છે.