લોકોના હકકોનું ઉલ્લંઘન સામે આવે ત્યારે કોર્ટે તુરંત સક્રિય થવું પડે: વડી અદાલતે કલમ ૩૭૭ મામલે ચુકાદો અનામત રાખ્યો
પુરૂષો વચ્ચેના સજાતિય હકકોને અપરાધ ગણાવતી ભારતીય દંડ સહિતાની જરીપુરાણી જોગવાઈ કલમ ૩૭૭ને બિન અપરાધી કરવી કે કેમ તે અંગેની સુનાવણી દરમિયાન વડી અદાલતે કહ્યું છે કે, મુળભૂત હક્કોને અડચણરૂપ દરેક કાયદાને હટાવવામાં આવશે.
મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રા, ન્યાયમુર્તિ આર.એફ.નરીમાન, એ.એમ.ખાનવીલકર, ડી.વાય.ચંદ્રચુડ અને ઈન્દુ મલ્હોત્રાની ખંડપીઠે કહ્યું હતું કે, લોકોના મુળભૂત અધિકારોનું હનન કરતા દરેક કાયદાને હટાવવાની સત્તા કોર્ટ પાસે છે. જે પણ ધારાશાીઓએ આ કલમની તરફેણમાં અને વિરુધ્ધમાં દલીલ કરી હોય તેઓએ આગામી શુક્રવાર સુધીમાં લેખીત રજૂઆત કરવા અદાલતની બંધારણીય ખંડપીઠે તાકીદ કરી છે.
મુળભૂત અધિકારોના અધિકારી સામે કામ પાડવા અમે કંઈ બહુમતિ યુક્ત સરકાર કાયદો ઘડે, સુધારે કે ન ઘડે ત્યાં સુધી રાહ જોઈ ન શકીએ. એમ જણાવી ખંડપીઠે કહ્યું હતું કે, મુળભૂત અધિકારોનું કોઈપણ ઉલ્લંઘન સામે આવે ત્યારે કોર્ટે સક્રિય થવું પડે, રાહ જોવી તેની જવાબદારી નથી. સુપ્રીમ કોર્ટ અગાઉ આ મામલે રીવ્યુ પીટીશન પહેલેથી જ ફગાવી ચૂકી છે. ત્યારબાદ કયુરેટીવ પીટીશન દાખલ કરવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, કલમ ૩૭૭ અંતર્ગત કાયદાકીય જોગવાઈ છે કે, ૨ સગીર પરસ્પર સંમતીથી અપ્રાકૃતિક સંબંધ બાંધે તો તે અપરાધ માનવામાં આવે છે અને આ મામલે ૧૦ વર્ષ સુધીની કેદ કે આજીવન કેદની પણ જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટમાં આ કલમની કાયદાકીયતાને પડકારવામાં આવી છે. કલમ ૩૭૭ અંગ્રેજોએ ૧૮૬૨માં લાગુ કરી હતી તેવી દલીલ થાય છે.